શ્રીકૃષ્ણનું જીવનદર્શન
ઇશ્વર એક પણ નામ અનેક. વ્યક્તિ એક પણ સ્વરૃપ અનેક. ગોવાળ એક પણ ગાયો અનેક. ગોપ એક પણ ગોપીઓ અનેક. મૂર્તિ એક પણ મંદિરો અનેક. બ્રહ્માંડો ચૌદ પણ બ્રહ્મ એક. ભગવાન એક પણ ભક્તો અનેક. અવતારો અનેક પણ એ બધામાં ‘પૂર્ણ પુરૃષોત્તમ એક. બાળક એક પણ માતા પિતા બે… એ કોણ ? એ છે આપણો લાલો, કાનુડો, કાનજી.
રાણીઓ અનેક પણ રાજા એક. પ્રેમીઓ અનેક પણ પ્રેમી એક. ચક્રો અનેક પણ પ્રસિદ્ધ સુદર્શન ચક્ર તો એક જ. પર્વતો અનેક પણ પુણ્યશાળી ગોવર્ધન પર્વત એક. યોગીઓ અનેક પણ યોગેશ્વર એક. ગુરુઓ તો અનેક પણ આ બધામાં જગદ્ગુરુ એક. મટુકીઓ અનેક પણ ફોડનારો એક. કોણ છે એ ? એ છે માખણચોરોનો માસ્ટર, ચિત્તચોર શામળિયો. જય શામળાજી.
દ્રૌપદીનો ૯૯૯ ચીર કોણે પૂર્યાં ? ટીંટોડીનાં ઇંડાં કોણે ઊગાર્યા ? નરસિંહ મહેતાની હૂંડી કોણે સ્વીકારી ? પાંડવોની લાજ કોણે રાખી ? કંસનો નાશ કોણે કર્યો ? રાસલીલા કોણે રમાડી ? કાળીનાગને કોણે નાધ્યો ? ઇન્દ્રનું અભિમાન કોણે ઊતાર્યું ? બોડાણાને સાક્ષાત દર્શન કોણે આપ્યાં ? સુદામાની ગરીબી કોણે દૂર કરી ? આવા અનેક છે પણ બધાનો જવાબ એક છે ઃ- રણછોડ. જય રણછોડ.
આઠ રાણીઓના વહાલા પતિ, શ્રી અર્જુનના સારથિ, દ્રૌપદીના સખા, સુદામાના મિત્ર, રાધાના રમણ, મીરાંના માણીગર, દેવકીના દીકરા, જશોદાના જાયા, શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગાયક, નંદના દુલારા, વાંસળીના વાદક, જનતાના જનાર્દન, વૃંદાવનવાસી, નરસિંહ મહેતાના માનીતા, શ્રી બલરામના અનુજ- આટલો પરિચય આપ્યા પછી બધા જ બોલી ઉઠશે ઃ આ તો અમારા દ્વારકાધીશ છે. જય દ્વારકાધીશ.
કોઇ કાનુડો કહે છે, કોઇ એને જય રણછોડ કહે છે, કોઇ તો ચિત્તચોર કહે છે, કોઇ માખણચોર, કોઇ શામળિયો, કોઇ કાનજી, કોઇ લાલો, કોઇ નંદલાલ, કોઇ બંસી બજવૈયો, કોઇ શ્રીનાથજી, દામોદર, કેશવ, મધુસૂદન, અચ્યુત, મહાબાહો, બાંકેબિહારી, જગન્નાથ, ગોપાલ, કાળિયો ઠાકર વગેરે વગેરે કહેશે પણ આ બધાં નામો પછી એક નામ એવું છે જે વહુ વહાલું છે. બે માણસો મળશે એટલે તરત કહેશે ઃ જયશ્રી કૃષ્ણ. મળીને છૂટા પડશે તો પણ કહેશે… આવજો.. જયશ્રીકૃષ્ણ.
શ્રીકૃષ્ણ ભગવાન વિશે એવું કહેવાય છે કે ”જો નીલપર્વત જેટલું કાજળ હોય, મહાસાગર જેવડો ખડિયો હોય, કલ્પવૃક્ષની ડાળી કલમ હોય, સાક્ષાત મા સરસ્વતીજી લખનાર હોય છતાં પણ તેમના ગુણો લખવાનો પાર આવે નહિ.” તો પછી મારા જેવા અલ્પજ્ઞાાનીની શું હેસિયત છે ? એક કીડી હિમાલય પર્વત ઉપર ચડવા જાય એવું એક કામ આજે શ્રીકૃષ્ણની જન્મ તારીખે કરવું છે એ… એ છે શ્રીકૃષ્ણના જીવનનું એક દર્શન. આવો શ્રીકૃષ્ણની ૫૨૪૨ની જન્મજયંતિએ આ જન્માષ્ટમીના પર્વે હેપી બર્થ ડે…. જન્મ દિવસ મુબારક… કહીને શ્રીકૃષ્ણને સમજવાની યથાશક્તિ કોશિશ કરીએ.
ગુજરાત સમાચારમાંથી…