ભાવનગરથી ૭૦ કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્તે અમદાવાદ-ભાવનગરની વચ્ચે કાળિયાર અભયારણ્ય આવેલું છે. અઢાર કિ.મી.ના વિશાળ વિસ્તારમાં કાળિયારનું એક સરસ અભયારણ્ય છે. લગભગ ૩૦૦૦ જેટલાં કાળિયાર માટે આયોજિત ઉદ્યાન હરણકુળના આ સોહામણા પ્રાણીઓને ઉછેરે છે. સૌરાષ્ટ્રનો આ વિસ્તાર ભાલપ્રદેશ કહેવાય છે.
એક જમાનામાં આ વિસ્તાર ભાવનગરના રાજવી કુટુંબની માલિકીનો હતો. અહીં ભાવનગરના મહારાજા દ્વારા કાળિયારનું રક્ષણ કરવામાં આવતું તો સાથે સાથે તેમનો શિકાર શોખ પોષવા માટે ચિત્તા દ્વારા શિકાર તેમનો શિકાર પણ કરવામાં આવતો. આથી જ કદાચ અહીં વસતા કાળિયારનો રજવાડી કાળિયાર ‘એન્ટીલોપ સર્વીકેપ્રા રજપૂતાની‘ તરીકે ઓળખવામાં આવે છે.
ઘાસિયા મેદાનની પ્રાધાન્યતાવાળા આ રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર માટે વિશ્વવિખ્યાત છે. ગુજરાતમાં તેમજ દેશમાં અન્ય સ્થળોએ કાળિયારની વસતિ છે. પણ દેશમાં કાળિયારની સૌથી મોટી વસતિ આ વિસ્તારમાં છે. છેલ્લી વસતિ-ગણત્રી (૧૯૬૬) મુજબ વેળાવદર અને તેની આસપાસના વિસ્તારમાં ૧૫૧૪ જેટલાં કાળિયાર નોંધાયેલાં છે. વેળાવદરના આ કાળિયાર-અભયારણ્યની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચ-એપ્રિલ અને ઑકટોબર-નવેમ્બર મહિના છે.