ભારતીય સંગીતના પ્રગઢ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનો જન્મ તા.૧૦-૮-૧૮૬૦ના રોજ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં સંગીતના સંસ્કારો પડ્યા હતા. વકીલાતમાં મન ન પરોવાતા સંગીત સાધનામાં રત રહેવાનો નિર્ણય કર્યો. સંગીતવિષયક ગ્રંથો તેમણે વાંચ્યા. સમગ્ર ભારતમાં પ્રવાસ કરી કેટલાય વિદ્વાનો સાથે તેમણે ચર્ચા કરી. ઉત્તર તથા દક્ષિણ ભારતની સંગીત પદ્ધતિઓનો સુમેળ કરવાનું શ્રેય શ્રી ભાતખંડેને ફાળે જાય છે, તેમણે લક્ષસંગીત, હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ, ક્રમિક માલિકા જેવા ગ્રંથોનું લેખન કર્યું. ભાતખંડેજીનું લેખનકાર્ય જોતા આજેય અભ્યાસુઓ દંગ રહી જાય છે. જુદા જુદા ગવૈયાને મુંબઈ લાવીને તેમની પાસેથી તેમણે ચીજો એકઠી કરી હતી. ઈ.સ.૧૯૩૬માં પંડિતજીને માંદગીએ ઘેરી લીધા અને મૃત્યુ તેમને ગાંધર્વલોક તેડી ગયું.