વડગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના મહત્વના તાલુકા એવા વડગામ તાલુકાનું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. વડગામ તાલુકો ધાન્ધાર તરીકે પણ ઓળખાય છે. અહીં ખેતી અને પશુપાલન એ મુખ્ય વ્યવ્સાય છે. આ ઉપરાંત રફ હીરા તૈયાર કરવાનો વ્યવસાય પણ વિકસ્યો છે. આ તાલુકામાં કુલ ૧૦૮ ગામો આવેલાં છે. કહેવાય છે કે એક સમયે અહીં આસપાસમાં વડનાં ઘણાં વૃક્ષ આવેલાં હતાં તેથી આ ગામનું નામ ’વડગામ’ પડ્યું.
વડગામ તાલુકાના મગરવાડા ગામે પ્રખ્યાત મણિભદ્રવિર મહારાજનુ સ્થાનક આવેલ છે. વડગામ તાલુકાના મોકેશ્વર મુકામે મુક્તેશ્વર ડેમ આવેલો છે. ગામમાં શિવમંદિર, હનુમાન મંદિર, ગાયત્રી મંદિર, રામ મંદિર, બ્રહ્માણીદેવીનું મંદિર તથા રાધા-કૃષ્ણનું મંદિર આવેલાં છે. બ્રહ્માણીદેવીનું મંદિર સૌથી પ્રાચીન હોવાનું કહેવાય છે. અહીં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા એક કોલેજ પણ આવેલી છે.