મકાઈ સૂપ
સામગ્રી :
મકાઈનાં ડોડાં : ૬ મોટા,
સોયાસોસ : અડધી ચમચી,
ખાંડ : દોઢ ચમચો,
આજીનો મોટો પાઉડર : પોણી ચમચી,
મકાઈનો લોટ : ૨ ચમચા,
મીઠું : પ્રમાણસર.
રીત :
મકાઈને છીણી લેવી પણ થોડા દાણા આખા રાખવા. તેમાં છ કપ પાણી મેળવી પ્રેસર કૂકરમાં બાફવા મૂકી દેવું. બે કપ પાણીમાં મકાઈનો લોટ ભેળવીને બાફેલી મકાઈ સાથે ભેળવો. ખાંડ, મીઠું અને આજીનો મોટો પાઉડર ભેળવી બાફેલી મકાઈ સાથે ભેળવો. ૨૦ થી ૨૫ મિનિટ ઉકાળો. પછી સોયાસોસ અને ચીલીસોસ (મરચાંનો સોસ) સાથે પીરસવાથી લિજ્જતદાર લાગે છે.
**************************************
કેળાંના પરોઠા
સામગ્રી :
કેળાં : ૨ કાચાં,
લીંબુનો રસ : ૧/૨ ચમચી,
ઘી : થોડું ગરમ,
લોટ : ૨ કપ (આશરે ૧૫૦ ગ્રામ),
ધાણાજીરું : ૧ ચમચી,
લાલ મરચાં : ૧/૨ ચમચી,
મીઠું : જરૂરી પ્રમાણ,
ગરમ મસાલો : ૧/૨ ચમચી,
લીલાં મરચાં : ૨ થી ૩ ઝીણાં સમારેલાં,
કોથમીર : ૧ ચમચી ઝીણી સમારેલી.
રીત :
લોટ ચાળી તેમાં ૧/૪ ચમચી મીઠું નાખી ૧ ચમચી ગરમ ઘી નાખી પાણીથી લોટ બાંધવો. લોટ એક બાજુ થોડીવાર માટે રહેવા દેવો. કેળાંને મીઠાવાળા પાણીમાં બાફી, છોલી તેનો છૂંદો કરવો. હવે તેમાં બધો મસાલો મિક્સ કરી લીલાં મરચાં, કોથમીર અને લીંબુનો રસ અને પ્રમાણસર મીઠું નાખી બરાબર મિક્સ કરી એકસરખો મસાલો તૈયાર કરવો. હવે લોટના સરખા લોયા કરવા. એક લોયો લઈ રોટલીની જેમ મોટો વણી વચ્ચે ૧ ચમચી કેળાંનો મસાલો મૂકી રોટલીને કચોરીની જેમ વાળી ફરીથી થોડો વણી ગરમ તવી ઉપર નાખીને સોનેરી પડતાં લાલ રંગના શેકીને ખાવાના ઉપયોગમાં લેવા.
**********************
ઈન્સ્ટન્ટ રાજમા
સામગ્રી :
૨ વાટકી બાફેલાં રાજમા,
૧/૨ કપ ટામેટાંની પ્યૂરી,
૨ ચમચી મલાઈ ફીણેલી,
૧/૨ કપ દૂધ,
૧/૨ ચમચી આદુંલસણની પેસ્ટ,
૧/૨ – ૧/૨ ચમચી હળદર,
લાલ મરચું અને જીરું,
૨ ચમચી માખણ,
મીઠું અને ગરમ મસાલો સ્વાદ મુજબ.
રીત :
કઢાઈમાં માખણ ઓગાળી જીરું નાખો. ટામેટાંની પ્યૂરી, મલાઈ, દૂધ, મસાલા અને મીઠું મિક્સ કરો. હવે રાજમા નાખો. જરૂર મુજબ પાણી નાખો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો અને માઈક્રોવેવ બાઉલમાં ત્રણ મિનિટ સુધી રાખો.