માંડવી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે. માંડવી આ તાલુકાનું મુખ્ય મથક છે.
માંડવી નગરને અડીને તાપી નદી વહે છે. માંડવીમાંથી રાજ્ય ધોરી માર્ગ નં. ૫ અ પસાર થાય છે, આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું કીમ તેમ જ સુરત જિલ્લાના અન્ય તાલુકા મથક માંગરોળ સાથે પણ માંડવી જોડાયેલું હોવાને કારણે અંહી વાહનવ્યવહારની સગવડ સારી છે.
ઈ. સ. ૧૯૬૮ના વર્ષમાં આવેલા અતિ ભારે પુરમાં માંડવીથી બારડોલી, વ્યારા તેમ જ મઢી જવાના રસ્તામાં આવતો, તાપી નદી પર આવેલો પુલ તુટી જવાને કારણે અહીંથી તરસાડાબાર વચ્ચે નવા પુલના નિર્માણ સુધી હોડી દ્વારા ફેરી સેવા ચાલુ કરવામાં આવી હતી, જેમાં વાહનો પણ લઇ જઇ શકાતાં હતાં. નવા પુલના બદલાયેલા સ્થળને કારણે માંડવીથી બાજીપુરા તેમ જ વ્યારા જતો રસ્તો બરાબર તરસાડાબાર ગામ વચ્ચેથી લઇ જવાની ફરજ પડી હતી.
માંડવી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગુજરાત રાજ્ય પરિવહન નિગમનું બસ સ્ટેશન, માધ્યમિક શાળા, પૂર્વ પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, આર્ટસ તેમ જ કોમર્સ કોલેજ જેવી સવલતો પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં સિનેમા થીયેટર, શોપિંગ સેન્ટરો, રેસ્ટોરન્ટો વગેરે જોવા મળે છે. આસપાસના ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં દરેક જાતની વસ્તુઓ માટેનું બજાર મોટા પાયે વિકસેલું જોવા મળે છે.