મહેમદાવાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનું મુખ્ય મથક છે. એક અંદાજ મુજબ આશરે ૭૫,૦૦૦ની વસ્તી ધરાવતું શહેર છે. આ શહેર મહેમુદશાહ બાદશાહે વસાવ્યું હતું અને તેના નામ પરથી આ શહેરનું નામ મહેમુદાબાદ રાખવામાં આવેલું હતું, જે સમય જતાં અપભ્રંશ થઇને મહેમદાવાદ થઇ ગયું.
શહેર મધ્યે એક મોટી વાવ બાદશાહે બનાવડાવી છે. આ ઉપરાંત દેશી ઢબથી બનાવેલું એરકન્ડીશનર, ભમ્મરીયો કૂવો તેમજ રોજા-રોજી દરગાહ જોવાલાયક સ્થળો છે.
મહેમદાવાદ તાલુકા મથક હોવાને કારણે, સ્વાભાવિક જ અહીં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમ કુલ દસેક નિશાળો છે. ત્રણ મહાવિદ્યાલયો છે. અહીં મધ્યમ કક્ષાના વેપાર ધંધા વિકસ્યા છે. કોઇ મોટું ઔદ્યોગિક સંકુલ કે વિસ્તાર નથી. અમદાવાદ–મુંબઇ રેલ્વે લાઇન મહેમદાવાદથી પસાર થાય છે. આ ઉપરાંત અહીંથી ગાંધીનગરથી ઇન્દૌર જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પણ પસાર થાય છે. એક વાતનું ગૌરવ બધા મહેમદવાદવાસીઓ લે છે કે આ શહેર પ્રદુષણ મુક્ત હોવાથી રહેવાલાયક છે.