ધર્મોના ભેદભાવ પર મુસ્તાક ના રહો,
સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી,
દાણાની સંગે દોરી નું હોવું છે ફરજીયાત,
તસ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી.
કોઈ કાબા હો કે મંદિર,ભેદ છે સ્થાપત્ય નો,
પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે.
કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે,
અમોને સંકુચિત દ્રષ્ટી તણો ઉત્પાત ખટકે છે.
નથીએ ધર્મના, ટીલા કલંકો છે મનુષ્યોના
વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે,
વિવિધ ફુલો છતાં, હોતો નથી કંઈ ભેદ ઉપવન માં,
ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!!!!!
–શૂન્ય પાલનપુરી