ભક્ત ભગવાનની પૂજામાં ફળ, જળ, પત્ર, ફૂલ વગેરે પૂજા સામગ્રીનો ઉપયોગ કરી તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. ભકત દ્વારા ઉપયોગમાં લેવાતી આ પૂજા સામગ્રી તો માત્ર પ્રતિક સમાન છે. અસલ વસ્તુ ભક્તનો પ્રભુ પ્રત્યેનો ભાવ છે, અને પ્રભુ તે ભાવના આધારે જ પોતાના ભક્તની ભક્તિનું મૂલ્યાંકન કરતા હોય છે, અને ખુદ ભક્ત પણ આ વાત સારી રીતે જાણતો હોય છે. પરંતુ જેમ નિરાકાર ઈશ્વરની ઉપાસના માટે આપણે સાકાર પથ્થરની મૂર્તિ સામે બે હાથ જોડીને ઉભા રહીએ છીએ તેમ ભક્તની સાચી ભક્તિ તેની સાચી ભાવના ઉપર જ આધારીત હોય છે તે સનાતન સત્ય હોવાંછતાં પણ પ્રભુને પ્રસન્ન કરવા માટે કંઈક પ્રતિક તો જોઈએ જ ! આમ, પૂજા સામગ્રી અસ્તિત્વમાં આવી અને ફળ, જળ, પત્ર, ફૂલ વગેરેનો તેમાં સમાવેશ થયો.