પતંગિયાની અને ફૂદાની પાંખો લગભગ પારદર્શક એવા પદાર્થ વડે બનેલી હોય છે. પાંખોની સપાટી પર કુદરતે અવનવા રંગોના લાખો સૂક્ષ્મ ભીંગડા ગોઠવ્યાં છે. ભીંગડાંનો એક છેડો પાંખમાં ખોસાયેલો રહે છે, માટે નજીવું ઘર્ષણ થાય તો પણ તેને નીકળી આવતા વાર લાગતી નથી. તાત્પર્ય એ કે પતંગિયાનો રંગ એ તેના શરીરનો મૂળ રંગ નથી. કલરનો જુદો પોપડો છે. આ બધો કલર જો ઘસીને સાફ કરી નાખો તો ઘડીકવાર પહેલાંની રંગબેરંગી પાંખ એકદમ પારદર્શક બને. પંખમાં કેટલીક સૂક્ષ્મ નસો પણ જોવા મળે કે જે ખરેખર નસ પણ નથી. લોહી જેવું કશું પ્રવાહી તેમાં વહેતું નથી. આ કડક નસો પતંગિયાની અને ફૂદાની નરમ પાંખોને માત્ર ટેકો આપી તેમને સપાટ રાખે છે. પતંગિયાની અને ફૂદાની પાંખોને આવા ચોક્કસ ગંધના પણ ભીંગડા હોય છે.