તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન છે. શહેરની મધ્યમાં ટેકરી પર આવેલું આ સુંદર મજાનું મંદિર ગુજરાતનાં પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. ઈ.સ. ૧૮૯૩માં ૧૯મી સદીની શૈલીથી બનાવાયેલા આ મંદિર આરસપહાણમાંથી બનાવાયું છે. ભાવનગરના સદ્ગત મહારાજા તખ્તસિંહજીએ બનાવેલ આ ભવ્ય મંદિરના પરિસરમાંથી ચોતરફ પથરાયેલા ભાવનગર શહેરનું ભવ્ય દૃશ્ય જોવા મળે છે. મંદિરના વિશાળ આરસ મઢેલા ચોકની પાળીએ બેસીને ભાવનગરની રોનક માણવા જેવી છે. તેથી જ ભાવનગરની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે તખ્તેશ્વરની મુલાકાત વગર ભાવનગરની મુલાકાત અધૂરી ગણાય છે.