ધાણા રસોડામાં ઘણું જ મહત્વનું સ્થાન ધરાવે છે. તે વગર રસોડું અધૂરું ગણાય.
લીલા ધાણા કોથમીર તરીકે ઓળખાય છે.
શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે.
ધાણા કૃમિનાશક, દુર્બળતા ઘટાડનાર અને પિત્તનાશક છે તથા શરીરની તજા ગરમી મટાડે છે.
આખા ધાણાને અધકચરા કૂટી, એક કપ પાણીમાં ઉકાળી, સાકર અને દૂધ નાખીને પીવાથી મંદાગ્નિ દૂર થાય છે.
અર્ધી ચમચી ધાણા, પા ચમચી મરી અને પા ચમચી એલચીનું ચૂર્ણ બે ચમચી પાણી સાથે પીવાથી અરુચિ મટે.
શરીરના દાહ ઉપર : ધાણા એક ચમચી રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી તે પાણી સવારે પીવું.
પિત્ત-જવર અને અંતદાર્હ ઉપર : ચોખા બે ચમચી અને ધાણા એક ચમચી રાતે ચાર ગણા પાણીમાં પલાળી રાખવા. બીજા દિવસે સવારે થોડી સાકર નાખી તેને રાંધી લેવું. બરાબર ઠંડું પડે ત્યારે તે ખાવું.
આંખોની બળતરા અને આંખો આવવી (આંખો લાલ થવી) : એક ચમચી ધાણા રાતે પલાળી રાખવા. બીજે દિવસે સ્વચ્છ ઝીણા કપડાના ટુકડામાં લઇ પોટલી બનાવી તે આંખો પર દિવસમાં ચાર-પાંચ વખત ફેરવવી. કપડું સુકાઇ ત્યારે ફરીથી ભીનું કરી લેવું.
તડકો અને લૂ લાગે ત્યારે : એક ચમચી ધાણા અધકચરા કરી એક ગ્લાસ પાણીમાં રાતે પલાળી રાખવા. થોડી સાકર નાખી તે પાણી વારંવાર થોડું થોડું પીવું.
તૃષાની તકલીફ ઉપર : ધાણા એક ચમચી એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવા. ત્યારપછી તેને ગાળી, એક ચમચો મધ નાખી, તે પાણી દિવસમાં બે વખત પીવું. આ પ્રયોગ બે-ત્રણ દિવસ ચાલુ રાખવો.