શક્તિ, સ્ફુર્તિ વધારનાર ફળ ફણસ – ફાલસા
ફણસ સૌથી મોટું ફળ. ફાલસા ચણીબોર જેવડા નાનાં ગોળ.
ફણસ સ્વાદે મધુર, સહેજ તૂરાશ પડતું હોય છે. તે તાસીરે ઠંડું, પચવામાં ભારે, ચીકાશયુક્ત, વાતકર, કફકર, પિત્તશામક, મંદાગ્નિ કરનાર, મેદવર્ધક અને દાહશામક છે. તે રોચક, બળવર્ધક, વીર્યવર્ધક, હ્રદ્ય, ભ્રમહર, વિષધ્ન, માંસવર્ધક, ક્ષય, ક્ષત, વ્રણનાશ વગેરેમાં સારું છે.
ફાલસા ખટમીઠા, ઠંડા, હલકાં, લૂખા, અગ્નિવર્ધક, મળને રોકનાર, વાત-કફનાશક અને પિત્તકર છે. તે પ્રમેહ, તાવ, આમવાત, ક્ષય વગેરેમાં સારા છે. ફાલસાનું શરબત બળતરા, પિત્તવિકાર, તરસ, થાક વગેરે મટાડે છે. ફાલસાના મૂળનો લેપ ડૂંટીથી પેડું વચ્ચે કરવાથી ગર્ભપાત થાય છે. મૃતગર્ભ માટે આ પ્રયોગ સારો છે.
ફણસ મંદાગ્નિવાળા માટે સારા નથી. વળી તેને ખાધા પછી પાન ખાવું નહિ. તેથી આફરો ચડે છે. ફણસનું અજીર્ણ મટાડવા કોપરું, ખાટા બોર કે ખાટી ચીજ ખાવી.
પરંતુ તીવ્ર જઠરાગ્નિવાળા માટે ફણસ સારું છે. તે શક્તિ, સ્ફુર્તિ અને બળની અસાધારણ વૃદ્ધિ કરે છે. ગરીબો અને મજૂર વર્ગ માટે સારું છે. બેઠાડું જીવન જીવનારાએ બહુ ન ખાવું.