શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક દ્રાક્ષ
દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે.
દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે. તે બલ્ય, પોષક, રોચક અને દાહશામક છે. મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે.
અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર અને પેશાબની બળતરામાં કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સાકર સાથે લેવી. મોં આવી ગયું હોય તો મોંમાં કાળી દ્રાક્ષ રાખી ચૂસ્યા કરવાથી મોંના ચાંદાં મટી જાય છે.
દ્રાક્ષનો દ્રાક્ષાસવ ખોરાકનું પાચન કરવા અને ભૂખ લગાડવામાં ખૂબ પ્રચલિત છે. તે ઉધરસ, દમ, ટી. બી. વગેરેમાં સારો છે અને શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક છે.
લીલી દ્રાક્ષનો રસ સાકર સાથે મેળવીને લેવાથી શરીરની બળતરા મટે છે.
ગરમાળાનો ગોળ અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી તાવ તૂટે છે.