રામ નામમે લીન હૈ, દેખત સબમેં રામ
તાકે પદ વંદન કરૂ, જય જય જલારામ
જલારામ ભગતનું વીરપુર માનવસેવાનું ધર્મનું આ જાગતુસ્થાન જૂનાગઢથી પ૦ કિલોમીટર છે. રાજકોટ – જૂનાગઢનાં માર્ગ ઉપર ગોંડલ પાસે આવેલ છે.
જૂના સમયની આ વાત છે. ગરવો ગઢ ગિરનાર સાધુસંતોનું સિદ્ધક્ષેત્ર છે, તેથી અનેક મહાત્માઓની વીરપુરના આ ઈષ્ટમાર્ગે આવ – જાવ થતી રહેતી હતી. આ સાધુસંતો ગામમાં કોઈને કોઇ શ્રદ્ધાવાન ગૃહસ્થ પાસે સીધુ-સામાનની માંગ કરતા. એ સમયે યાંત્રિક વાહનો હતા નહી, માત્ર પગે ચાલીને જ લોકો યાત્રા પ્રવાસ કરતા હતા. ત્યારે આજથી બસો વર્ષ પહેલા સોરઠની આ પવિત્ર ભુમિ ઉપર વીરપુર ગામે જલા ભગત થઈ ગયા છે. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ માં થયો હતો. જલા ભગતનાં માતા રાજબાઈ અને પિતાશ્રી પ્રધાન ઠક્કર લોહાણા દંપત્તિ હતા.
એક સમયે પવિત્ર ગિરનારનાં રિદ્ધિ – સિદ્ધિ આપનારા એક વૃધ્ધ સંત મહાત્મા રાજબાઈનાં ઘરે આવ્યાં ને આવતાંની સાથે જ કહે કે માતા તમે તમારા પુત્રના મને દર્શન કરાવો. સાંભળતા જ રાજમા કહે કે બાપુ ભોજન કરો, આરામ કરો બાળકો હમણાં જ રમતા – ભમતા આવશે. મહાત્મા આસને બીરાજ્યા ત્યાંજ બાળક જલારામ ત્યાં આવ્યાં અને મહાત્માને દંડવત્ પ્રણામ કર્યાં મહાત્માએ જલાને જોઈને કહ્યું કે બચ્ચા પિછાનતે હો ! આથી બાળકે ફરી પ્રણામ કરી મસ્તક નમાવ્યું. આમ પૂર્વ જન્મના જ્ઞાન વાળા જલાને રામ નામના મંત્રથી પ્રેરિત કરી મહાત્મા વિદાય થઈ ગયા. હવે જલો ચાલતા, બેસતા, ઉઠતા અને કાર્ય કરતા રામ સીતારામનાં સ્મરણમાં લીન થવા લાગ્યો.
યથોચિત સમયે આટકોટનાં પ્રાગજી સોમૈયાના પુત્રી વીરબાઇ સાથે તેમના લગ્ન થયાં. વીરપુરને આંગણે જલા ભગત તેમના ધર્મપત્ની વીરબાઈ સાથે માનવ સેવા અને પ્રભુ સ્મરણ કરતા કરતા આ ઈષ્ટ માર્ગેથી નીકળતા તમામ માનવી અને સાધુસંતોને ભોજન – પ્રસાદ આપતા હતા અને કોઈપણ જીવ પ્રાણીની સેવા સદાય કરતા રહેતા હતા. આથી ગામમાં સહ તેમને જલા-રામ કહેવા લાગ્યા.આ ભકત દંપત્તિની કસોટી વૃદ્ધ સાધુરૂપ લઈ ભગવાને કરી હતી અને વીરબાઈ મા પાસે પ્રસાદીરૂપે જોળી અને ધોકો મુકી ગયા હતા. વીરબાઈ પાસે રાખેલ જોળી અને ધોકાની પૂજા જલારામ અને વીરબાઈ કરતા હતા. હજી પણ આજે તેની પૂજા વીરપુર જલારામ મંદિરમાં નિયમિત થાય છે.
વીરપુરમાં પરમ ભકત જલારામબાપાનું અન્નક્ષેત્ર છે અને ઇષ્ટદેવ રામચંદ્રજીનું મંદિર છે. મંદિરમાં જોળી અને ધોકાનાં દિવ્ય દર્શન થાય છે. અન્નક્ષેત્રની અનાજ પીસવાની પ્રાચીન ઘંટી જોવા અને મંદિરમાં જલાબાપાને શ્રીફળ, ફુલહાર ધરવા ભાવિકો આવે છે અને અન્નક્ષેત્રમાં પ્રસાદ લઈ પાવન બને છે.
જલા સો અલા,
જીસકુ ન દેવે અલા,
ઈસકુ દેવે જલા.
આવી લોકક્તિથી તમામ વર્ગો અને નાત-જાતમાં જલારામનું સ્થાન છે. શ્રદ્ધાળુ ભાવિકો જલારામની માનતા કરે છે. દર્શને જાય છે ભગવાનનાં ભક્ત જે આપી શકે છે તે ભગવાન પોતે આપતા નથી. આવા આ ભક્તોનો અનેરો પ્રતાપ અને પરચા અહીં આવતા અનેક ભાવિકો માનતા પુરી કરી સાબિત કરે છે. ભગવાનથી સવાયા ભક્ત છે તેનું પ્રત્યક્ષ પ્રમાણ આપતા વીરપુરના આ સ્થાનકને અનેક વંદન.
સોરઠ ધરા જુગ જૂની, ગઢ જૂનો ગિરનાર
શુરા – સંત નિપજાવતી સોરઠ ધરાની આ ખાણ