મોઢેરાથી દક્ષિણે લગભગ પંદર કિ.મી. દૂર આવેલું બહુચરાજી માતાનું મંદિર છે. સ્થાનક જૂનું છે અને અનેક ગીતો-ગરબાઓ-ભજનોનો વિષય બનેલું માતૃતીર્થ છે. મંદિર ભવ્ય છે. પુરાણું સ્થળ શંખલપુર પણ અહીંથી પાંચેક કિલોમીટર દૂર છે. પણ ત્યાં તો સામાન્ય મંદિર જ છે. બહુચરાજી માતાના મંદિરનું પ્રાંગણ વિશાળ છે. વાર-તહેવારે તે ભાવિકો-ભક્તોથી ઊભરાઈ જાય છે. મંદિરની બરાબર સામે એક હવન-કુંડ છે. તેની પાછળ વલ્લભ મેવાડાનું ઘર છે – જ્યાં તેણે બાળપણ વિતાવ્યું હતું. મંદિર પાસે જ માનસરોવર અને અનેક ધર્મશાળાઓ છે.
બહુચરાજી ગુજરાતનું બીજું શકિતતીર્થ છે. અહીં પોતાના બાળકોના વાળ ઊતરાવવા લોકો આવે છે. મંદિરનું પ્રાંગણ વિશાળ છે. મંદિરના પ્રાંગણમાં બહુચરાજીના પરમ ભક્ત ભટ્ટ મેવાડાનું ઘર છે. ભટ્ટજી બહુચર માતાની અનેક ગરબીઓ લખી છે. મંદિર પાસે માનસરોવર છે.
ગુજરાતમાં બહુચરાજી માતાનું માહાત્મ્ય ઘણું છે. ગુજરાતના જૂના પાટનગર પાટણની આસપાસ જે સ્થાનો છે તેમાંનું આ એક બહુચરાજી છે. નવરાત્રિમાં અહીં મેળો ભરાય છે. તથા ભવાઈ થાય છે. બહુચરાજી માતાના સ્થાનકમાં ઘણી વિશાળ જગ્યા છે. અહીં સંવત 1835થી આ મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત ૧૮૩૭માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ વિશાળ દેવસ્થાનની ચારે તરફ ફરતો કોટ-કિલ્લો બાંધવામાં આવ્યો છે. ચારે તરફ બુરજો અને ત્રણ મોટા દરવાજા છે. દેવાલય પૂર્વાભિમુખે છે. ઊંચી બાંધણી પર આખું મંદિર છે. માતાજીનું મંદિર પથ્થરનું બનાવેલું છે. તેમાં ઉત્તમ કારીગરી કરવામાં આવી છે. આ મંદિર ૧૫ મીટર લાંબું અને નવ મીટર પહોળું છે. આ મંદિરની ઉપર ઘુમ્મટ અને એક શિખર છે. ગર્ભગૃહ આગળ વિશાળ મંડપ છે. મંડપના ઘુમ્મટમાં અને થાંભલા ઉપર રંગેલી પૂતળીઓ છે. મંદિર પાસે જ એક અગ્નિકુંડ આવેલો છે. મંદિરમાં જે છૂટી જગ્યા છે, એ જગ્યાને ચાચરનો ચોક કહેવાય છે. મંદિરના દ્વાર બાદ માનસરોવર છે. ચૈત્ર સુદી પૂનમ અને આસો સુદ પૂનમના રોજ યાત્રાળુઓનો મોટો ધસારો રહે છે. માતાજીની પાલખી શંખલપુર જતી હોવાથી આ દર્શનનો લાભ સૌ લે છે. ગુજરાતમાંથી અનેક કુટુંબો-પરિવારના દીકરાઓના સૌપ્રથમ વાર વાળ ઊતરાવવા અહીં આવે છે.