આ વૃક્ષ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. બંદૂકનો દારૂ અને કોલસા બનાવવામાં તે કામ આવે છે. બે વર્ષના કુમળાં વૃક્ષનાં મૂળ કેટલાક ગરીબ લોકો શેકીને ખાય છે, પણ મૂળ કાચાં ખવાય તો ચકરી આવે.