અખા ભાગનાં છપ્પા વાંચતાં ઘણું જાણવા મળે છે.
મોહોટું વૈગુણ્ય ચિત્તનું ઘડ્યું, વસ્તુ વિષે દ્વેતપડ ચઢ્યું;
તેણે પડે ભાન નાનાવિધ તણી, ચિત્ત ઉપાધ્ય વાધી અત્યઘણી.
જ્યમ માદક પુરુષને ગેહેલો કરે, સ્વસ્વરૂપ અખા તેહેને વીસરે.
જગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો છે. તેને કારણે બ્રહ્મ ઉપર દ્વૈતનું (જગત અને બ્રહ્મ જુદાં છે એવું) પડ ચડેલું છે. તેના વડે મૂળ પોતારૂપ બ્રહ્મ ઉપર નામ-રૂપ-ગુણની જાતજાતની ભાત (design) પડે છે અને તેથી (કામ-ક્રોધ-લોભ-મોહ-મદ ઉત્પન્ન થતાં) ચિત્તની પીડા અનેક ઘણી વધી જાય છે. કેફી પદાર્થ ખાવાથી માણસ ભાન ભૂલી જાય છે તેવી રીતે ચિત્તની ઉપાધિને કારણે માણસ પોતાના મૂળ સ્વરૂપને -અ આત્માને ભૂલી જાય છે.
– અખાના છપ્પા શંશોધક અને સંપાદક ડૉ. શિવલાલ જેસલપુરા
– વિનય ખત્રી