વિશ્વ વિખ્યાત ઓલરાઉન્ડર અને જામનગરના પનોતાપુત્ર વિનુ માંકડનો જન્મ ૧૨-૪-૧૯૧૭ના રોજ જામનગર ખાતે થયો હતો. જાણીતા ક્રિકેટર દુલીપસિંહજીએ શાળાઓ વચ્ચે ચાલતી એક મેચમાં વિનુ માંકડની શક્તિ પારખી અને ત્યારથી એ કિશોરનું ભાગ્ય પલટાયું. ટેસ્ટમાં બે હજાર અને સો વિકેટોની સિધ્ધિ મેળવી હતી. માંકડના જીવનનો યાદગાર ટેસ્ટ ઈ. ૧૯૫૨. ઈંગ્લેન્ડ ખાતેના ઓવલના મેચ દરમિયાન બોલીંગ અને બેટીંગમાં જે શાનદાર દેખાવ કર્યો તે હતો. આખું મેદાન ક્રિકેટ રસિકોથી ખીચોખીચ ભરેલું હતું. જેમાં એક ખાસ મહેમાન ઈંગ્લેન્ડના રાણી ઈલીઝાબેથ પણ હાજર હતા. ચાના સમયે તેમણે માંકડને રૂબરૂ બોલાવી અભિનંદન આપતા કહ્યું કે મેં તમારી ટીવી ઉપર રમત જોઈ. તમારી રમત અદભુત હોવાથી ખાસ અભિનંદન આપવા આવી છું. સર ડોનાલ્ડ બ્રેડમેન પોતાની સહી અને ફોટાવાળો પત્ર માંકડને આપ્યો હતો જેમાં લખ્યું હતું: ‘વેલબોલ્ડ માંકડ આઈ એમ હાઈલી ઈમ્પ્રેસ્ડ’ વિનુ માંકડે આ વાંચી ખુશી થતા જણાવ્યું કે મારે માટે અદભુત માનપત્ર છે. આ બધા ઉપર ઝળકે છે એમની નિ:સ્વાર્થી ખેલદિલી. તેમને મન ક્રિકેટ, દેશ, ટીમ એ જ કાયમ મહત્વના રહ્યા છે. આ ત્રણેનું હિત સાચવવામાં, એની સેવા કરવામાં તેમણે શરીર, અંગત સિદ્ધિ, યશ કે અપયશની પરવા નથી કરી. ઈ. ૧૯૭૮માં મુંબઈ ખાતે વિનુ માંકડનું અવસાન થતાં ક્રિકેટરસિકોને મોટી ખોટ પડી.