આખું નામઃ અમૃતલાલ ભટ્ટ
જન્મઃ ઓગણીસમી ઓગસ્ટ, ૧૯૧૬સરધાર, તાલુકો-જિલ્લો રાજકોટ
અભ્યાસઃ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ
વિષેશઃ ૯૪૯ થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે સાવરકુંડલા, ભુજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી. નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી. મુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કથાયે છોછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકસ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે.
એમની કૃતિઓ છે : ‘શૂળ અને શમણાં’ (૧૯૫૪), ‘રંગ’ (૧૯૬૦), ‘રૂપ’ (૧૯૬૭), ‘ઝાંય’ (૧૯૮૨), ‘અગ્નિ’ (૧૯૮૨) અને ‘ગઝલ નામે સુખ’ (૧૯૮૪). (- મોહમ્મદ શેખ)
શૂળ અને શમણાં (૧૯૫૪) : અમૃત ‘ઘાયલ’નો ગઝલસંગ્રહ. તેમાં સાદી અને સરળ બાનીમાં હૃદયના કોમળ ભાવો અસરકારક રીતે અભિવ્યક્ત થયા છે. પ્રિયમિલનની આતુરતા અને વિરહની વેદનાને વ્યક્ત કરતી આ ગઝલોમાં સૂફી રહસ્યવાદનો સ્પર્શ છે. મુશાયરા દ્વારા લોકપ્રિય બનેલી કેટલીક ગઝલોમાં સ્વર-વ્યંજનની સંવાદી યોજનાથી સધાયેલું લય-માધુર્ય નોંધપાત્ર છે. ફારસીને બદલે ગુજરાતી ભાષાની વિવિધ લઢણો અને રોજિંદી બોલચાલની ભાષાના શબ્દેના વિનિયોગથી ગુજરાતી રૂપ ધારણ કરતી આ ગઝલો પરંપરાથી અલગ પડે છે.