કાલોલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કાલોલ આ તાલુકાનું મુખ્ય મથક છે. કાલોલ ગામ વાપીથી શામળાજી જતા રાજ્ય ધોરી માર્ગ નં. ૫ અ પર ગોધરા અને હાલોલ વચ્ચેનું મહત્વનું કેન્દ્ર છે. આથી અહીંથી રાજ્યના વિવિધ સ્થળોએ જવા માટે સરળતાથી વાહનો મળી શકે છે. અહીંથી પશ્ચિમ દિશામાં ત્રણ કિલોમીટર દૂર દેરોલ ખાતેથી વડોદરાથી દિલ્હી જતી બ્રોડગેજ રેલ્વે માર્ગ પસાર થાય છે. આથી દેરોલ સ્ટેશન ઉતરી અહીં સરળતાથી પહોંચી શકાય છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા તેમ જ કોલેજની સગવડ છે, જેમાં અંગ્રેજી માધ્યમની શાળા પણ છે.