ઓખાહરણ-કડવું-૭૨ (રાગ-જેજેવંતી)
કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય;
જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય. શ્રીકૃષ્ણે…
હોંશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારે નાય;
જાદવ ત્યાં સંચર્યો, આવ્યો અસુર સભાની માંય.શ્રીકૃષ્ણે…
સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ;
દીકરી પરણાવી ચરણે લાગો, નહિ તો જુધ્ધ કરો અમ શાથ. શ્રીકૃષ્ણે…
બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસે અગન;
નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. શ્રીકૃષ્ણે…
ચાલ-એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય;
માર્યા વિના મૂકું નહિ, જે થનાર હોય તે થાય. શ્રીકૃષ્ણે…
સેના લઈને રાજા ચાલ્યો, જોધ્ધાનો નહિ પાર;
હસ્તી ઘોડા ને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. શ્રીકૃષ્ણે…
ખડક ખાંડા ને તંબુર ઝેર, ગોળા હાથ ને નાળ;
ત્રિશુળ સાંગ ને મુગદર ફરસી, તોમર ને ભીંડીમાળ. શ્રીકૃષ્ણે…
લાલ લોહમય ઝળકે ઝેરી, હાથ ધરી તલવાર;
જોદ્ધા જોર કરતા આવ્યા, ને કરતા મારોમાર. શ્રીકૃષ્ણે…
કો જોજન કો બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહિ શીષ;
વિકરાળ દંત દેખાડીને, વળી પાડે ચીસ. શ્રીકૃષ્ણે…
બુમરાણ કરતા આવી પડીઆ, જાદવની સેના માંહ્ય;
ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય. શ્રીકૃષ્ણે…
પરિઘ ત્રિશુળ ને પડે કોવાડા, મુગદર ને વળી ફરસી;
સંગ્રામ સહુ સેના કરે, આયુધ્ધધારા રહી વરસી. શ્રીકૃષ્ણે…
જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણ ને તીર;
તૂટે કુંભસ્થળ ફુટે દંતશુળ, ચાલે નીર રુધિર. શ્રીકૃષ્ણે…
બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભુંગળને ભડાકે;
વાંકડી તરવારો મારે, ખડગને ઝડાકે. શ્રીકૃષ્ણે…
તૂટે પાખર ને પડે બખ્તર, કીધો કચ્ચરઘાણ;
સર્વે જોધ્ધાઓને મારી કરીને, પાછા વળ્યા ભગવાન.શ્રીકૃષ્ણે…
(વલણ)
પૂરણ પુરૂષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે;
સૈન્યમાં આવી કરીને, શંખનો નાદ રે.