શિવજીએ ગણપતિનો શિરોચ્છેદ કર્યો
ઓખાહરણ-કડવું-૭
દેવી નાવણ કરવા બેઠાં, નારદ આવ્યા ત્યાંય;
બાળક બે જોઇને નાઠા, ગયા શિવ છે જ્યાંય.
નારદ ચાલી આવિયા, મધુવન તતખેવ;
ઓરે શિવજી ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ.
વનવગડામાં ભમતા હીંડો, માથે ઘાલો ધૂળ;
આ ધંતુરો વિજિયા ચાવો, વાળ્યો આડો આંક.
તમે રે વનમાં તપ કરો, ને ઘેર ચાલ્યું ઘરસુત્ર;
તમો વિના તો ઉમિયાજીએ, ઉપજાવ્યા છે પુત્ર.
મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય;
ગણપતિ વાણી બોલિયા, આડી ધરી મહાકાય.
અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી, દિસંતો અદ્દભુત;
આજ્ઞા વિના અધિકાર નહિ, હોય પૃથ્વીનો જો ભૂપ.
વચન એવું સાંભળીને, કોપિયા શિવરાય;
લાતો ગડદા, પાટુ મૂકી, આવ્યા ઘરની માંય.
ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય;
ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય ?
ત્યારે શિવજી કોપિયા ને, ચડી મનમાં રીસ;
કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીષ.
માગશર વદી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ત;
તે દહાડેથી ચાલ્યું આવ્યું, ગણેશ ચોથનું વ્રત.
તે મસ્તક તો જઇને પડ્યું, ચંદ્રના રથમાંય;
તેથી ચતુર્થીને દિવસે, ચંદ્રપૂજન થાય.
એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી ન્હાય;
ઓખા બેઠી‘તી બારણે તે, નાસી ગઇ ઘરમાંય.
વલણ કોટડીમાં જઇને પેઠી, મનમાં વિચારી;
ભાઇના કકડાં કીધા માટે, મુજને નાંખશે મારી.
મહાદેવજી ઘરમાં ગયા ને, ઝબક્યાં ઉમિયા મન;
નેત્ર ઉઘાડી નિરખિયું, ત્યારે દીઠા પંચવદન.
વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ;
આક ભાંગ ધંતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ.
નાહાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહિ મન માંહે;
બે બાળક મેલ્યાં બારણે, કેમ આવ્યાં મંદિર માંહે.
છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું;
આટલા દહાડા સતિ જાણતો, પણ સર્વ લૂંટી ખાધું.
મુજ વિના તેં તો પ્રજા કીધી, એવું તારું કામ;
પારવતીજી ! તમે રાખ્યું, હિમાચળનું નામ.
વચન એવું સાંભળીને, ઉમિયાજીને ઊઠી જ્વાળ;
કાલે તમો કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ.
ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી,
તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને આવ્યો મારી.