ઓખાહરણ-કડવું-૬૮

ઓખાહરણ-કડવું-૬૮  (રાગ:ધનાશ્રી)
નારદજી દ્રારકામાં – નારદ-શ્રીકૃષ્ણ વચ્ચે વાર્તાલાપ

શુકદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો તે જાદવ ઓધજી;
હવે દ્વારિકાની કહું કથા, જાદવજી કરે શોધાશોધજી.

હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઇ દોરીજી;
હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી.

અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી;
રુકમણિ, રોહિણી, દેવકી, સરવે કરે આક્રંદજી.

જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી;
વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી.

વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપ;
વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી.

ઉગ્રસેન કહે અચરજ મોટું; કોણે હર્યો હિંડોળોજી;
દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી.

જાદવને જદુનાથ કહે છે, ભાઇ શાને કરો છો શ્રમજી;
ગોત્રદેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી.

અગિયાર વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી;
પ્રધ્યુમને શંખ હરી ગયો, આવ્યો સોળમે વરસેજી.

તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવજી;
કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવજી.

પાંચ માસ વહીં ગયા ને, જાદવ છે મહાદુ:ખજી;
શોણિતપુરથી કૃષ્ણસભામાં, આવ્યા નારદઋષિજી.

હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી;
આનંદે આસન આપ્યું છે, ભાવે પૂજન કીધુંજી.

નારદની પૂજા કરીને, હરિએ કર્યા પ્રણામજી,
કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કાંઇ કામજી ? ૧૨

કરજોડી નારદ કહે છે, સાંભળો જુગજીવન;
પુત્ર તમારા સર્વેનું મારે, કરવું છે દરશનજી

મારા જોતાં પુત્ર સરવેને, સાથેથી તેડાવોજી;
એક લાખને એકસઠ હજાર, એ સૌ આગળ આવેજી

સર્વે પુત્ર સામું જોઇને, પૂછે છે નારદ મુનિજી;
આટલામાં નથી દીસતો, પ્રધુમનનો તનજી

ભગવાન કહે છે નારદજીને, કાંઇ તમે જાણો છો ભાળજી;
ઘરમાંથી જતો રહ્યો છે, પધ્યુમનનો બાળજી ૧૬

નારદ કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી;
જેણે ઝાઝા દીકરા, તેને દૈવની વેઠજી. ૧૭

ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી;
ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં, આવશે એવું કહેવાશેજી

પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મનજી;
વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી

તમારા પુત્રનું એક નારીએ, કર્યુ છે હરણજી:
ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે, તે તો પામે મરણજી

નારદ કહે છે તમે સુણો શામળા, સંભળાવું એક વાતજી;
મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી

શોણિતપુર એક નગ્ર છે, બાણાસુરનું રાજજી;
પ્રસંગે હું ત્યાં ગયો \’તો, મારે કોઇ એક કાજજી.

રાજા બાણની પુત્રી ઓખા, તેને હવું સ્વપ્નજી;
અનિરૂદ્ધ સેજે વરી ગયો, તેનું વિહ્વળ થયું છે મનજી.

ચિત્રલેખા ચંચળ નારી, વિધાત્રીનો અવતારજી;
તે આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી.

કઠણ કામ કરવું છે મારે, નહિ એકલાનું કામજી;
મારું તેણે ધ્યાન ધરિયું, હું આવ્યો તેણે ઠામજી
મેં તો તામસી વિધ્યા ભણાવી, તે ઊંઘ્યું બધું ગામજી;
અનિરૂદ્ધને લઈ તે ગઈ ને, ઓખાનું થયું કામજી .

કોઇ પેરે તે લઈ જાયે, એમ બોલ્યા શ્રી જુગા:જીવનજી,
ચક્ર મારું ઊઘે નહિ ને, છેદી નાંખે શીશજી.

ચક્રનો વાંક નથી ને એ, નિસરીયું\’તું ફરવાજી;
અમ સરખા સાધુ મળ્યા તેણે, બેસાડ્યું વાતો કરવાજી.

ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી;
માથા ઉપર ઊભા રહીને, ભલું કરાવ્યુ કામજી .

નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી;
જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાયજી .

ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી;
હવડાં મારા પુત્રના ત્યાં, શા છે સમાચારજી.

મહારાજ જણે ભોગવી છે, બાણાસુરની બાળ જી,
દસલાખ દૈત્યોનો એકી વારે, પુત્રે આણ્યો કાળજી .

શિવનો વર સાચો કરીને, ગયો અસુરને હાથજી;
હમણાં તમારા પુત્રની, ઘણી દુ:ખની છે વાતજી .

ઊંધે મસ્તક બાંધીઓ, તળે લગાડી અગનજી;
લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી.

વાત સાંભળી વધામણીની, વગડાવ્યાં નિશાનજી;
શામળા તત્પર થાઓ હવે, જીતવો છે બાણજી.

તે માટે તમને કહું, વિઠ્ઠલજી વહેલા ધાઓજી;
જો પુત્રનો ખપ કરો તો, શોણિતપુરમાં જાઓજી .

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors