ઓખાહરણ-કડવું-૬૪ (રાગ-ચાલ)
અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો
ચિત્રલેખા કહે બાઇ શેની રડે છે, તારા કંથની નહિ થાય હાણ;
જઇને હું સમજાવું છું રે, તારા પતિના નહિ લે પ્રાણ.
ચિત્રલેખા આવી ઉભી રહી, જ્યાં પોતાનો તાત;
સાંભળો પિતા વિનંતિ, કહેશો સમજાવી અહીં વાત.
એ છે મોટાનો છોકરો તે, તમે જોઇને છેદજો શીશ;
માથા પર શત્રુ થાશે, હળદર ને જુગદીશ.
એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા જે એનાં કામ,
વગર વિચારે મારશો તો, ખોશો ઘર ને ગામ.
પ્રધાને જઇ કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ;
રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ.
પરણી કન્યા કોઇ પરણે નહિ, માથે રહેશે આળ;
લોકમાં કહેશે જમાઇ માર્યો, એવી દેશે ગાળ.
માટે ઘાલો કારાગ્રહમાં, હાથે ન કીજીએ ઘાત;
એકલે દસ લાખ માર્યા, તે મોટી કીધી વાત.
પછી વજ્ર કોટડીમાં, બેસાડ્યો એ તન;
સરપે એને વીંટીઓ કર્યો રે, કર્યો ફરતો અગન.
તે પૂંઠે જળની ખાઇઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ;
સરપ કેરા ઝેરથી, પરજળવા લાગ્યો બાળ.
અનિરુધ્ધને બંધન કરીને, વિંટ્યા બહુ સરપ;
કામકુંવરને બાંધીઓ, ગાજીઓ તે નૃપ.
(વલણ)
નૃપ ગાજ્યો મેઘની પેર, ઉતરાવી ઓખાય રે;
અનિરુધ્ધને બંધન કરી, બાણાસુર મંદિરમાં લઇ જાય રે.