ઓખાહરણ-કડવું-૫૭ (રાગ-સોરઠ)
કોભાંડ-બાણાસુર વચ્ચે વાર્તાલાપ- અનિરુદ્ધ ઉપર આક્રમણ
કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ;
એ ભોંગળે દસ લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ.
અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત;
એક ભોંગળે દસ લાખ માર્યા, કીધો મહા ઉત્પાત.
પૂરવે મેં તેને પ્રિછવ્યો, અહંકારે થયો તું અંધ;
અહંકારે લંકા ગઇ, રામે માર્યો દસસ્કંધ.
અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહીણીશું સંજોગ;
છવ્વીસ નારી પરહરી, માટે ભોગવે ક્ષય યોગ.
એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ;
વાંક કોઇનો કહાડીએ નહિ, પણ ફુટ્યું તારૂં કપાળ.
અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા દસ દિગપાળ;
વામન રૂપ વિઠ્ઠલે ધરીને,બળી ચાંપ્યો પાતાળ,
અહંકાર કોઇનો છાજ્યો નહિ,ગર્વ ન કીજે રાય;
ગર્વ કોઇનો રહ્યો નહિ; તમે વિચારો મનમાંય.
પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ;
નક્ષત્ર તૂટી પડ્યું ને, થવા માંડ્યો ઉત્પાત.
હવે તત્પર થઈને સેના સંભાલો, નહિ નાઠાનું કામ;
દસ દિશા તું જીતીને આવ્યો, છોકરે બોળ્યું તારું નામ.
રાય પહેલો મેં તુને પ્રિછવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ;
આ સમે એ વિલોકતામાં, ઉદય પામ્યો અસ્ત.
સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહેવાયો તું એક;
તરણાવત તુજને કર્યો, એ છોકરે વાળ્યો છેક.
વચન એવું સાંભળીને, રાયની ગઈ છે શુધને સાન;
સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલીઓ પ્રધાન.
કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ;
શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ.
કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ;
શોણિતપુરના સુભટ કેરા, અનદ ટાળું હાલ.
રળિયાત થયો વચન સાંભળી, આપ્યા સહુ શણગાર;
તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર.
જાઓ વીર તમે વેગે જઇને, કરી આવો શુભ કામ;
વધામણી વહેલી મોકલજો, પેલા શત્રુને ફેડી ઠામ.
વચન શીશ ચઢાવી ઊઠ્યો, તેણે કીધો સૌ શણગાર;
સૈન્યા સઘળી સજ કરી, તેની શોભાનો નહિ પાર.
મહા મોટો ગજ ગિરિવર સરખો, મદગળીત કહેવાય;
હીરા માણેક રત્નજડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય.
સૂર્યવંશી ને સોમવંશી, પાખે રિયા કેકાણ;
મોરડે મોતી જડિત્ર તેને, હીરાજડિત પલાણ.
અનેક અશ્વ દોંડિયા,આગળ ગણતાં ન આવે પાર;
અનેક પાલખી રથ ઊંટ ને; તેને સુભટ થયા અસ્વાર.
સિંહલદ્વીપના હસ્તી મોટા, તેને જડ્યાં માણેક અપાર;
મેઘાડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસ્વાર.
નગારાની ધોંસ વાગે, શરણાઇઓનાં સૂર;
સૈન્યા સઘળી પરવરી, જાણે સાગર આવ્યું પુર.
નાળ, ગોળા, કવચ, ભાથા, કરતા મારા માર;
માળિયા આગળ ઊભો એટલે, ઓખા કરે વિચાર.
સ્વામી તમારા મનમાં આવે તો, કહું વિનંતિ આજ;
ચિત્રલેખા દ્વારિકા લઇ જાય તો, સીધે સઘળું કાજ.
વચન સુણીને જ્વાળા લાગી, ચઢી અનિરૂદ્ધને રીસ;
ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શિશ.
યુદ્ધવિષે સનમુખ ન રહુંતો, લાજે મારો વંશ;
બાણાસુરને એણી પેરે મારૂં, જેમ કૃષ્ણે માર્યો કંસ.
એવા માંહે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ;
ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને, કીધી ઇચ્છા દેવા ફાળ.
{વલણ)
ફાળ દઉં અંત લઉં, હોકારો તવ કીધો રે;
ઓખાએ અનિરુદ્ધને, માળિયામાં ઊંચકી દંડવત કીધો રે.