ઓખાહરણ-કડવું-૫૬

ઓખાહરણ-કડવું-૫૬  (રાગ-ઢાળ)
બાણાસુરના સૈન્યનો  અનિરુદ્ધ નાશ કર્યો

ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક;
અમે એવું જુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક.

તું જાણે પિયુ એકલાને, હાથ નહીં હથિયાર;
તારા બાપે ચાર લાખ મોકલ્યા, તે મારે માના છે ચાર.

તું જાણે પિયુ એકલાને, કર નહિ ધનુષ ને બાણ;
એક ગદા જ્યારે ફરશે ત્યારે, લઈશ સર્વના પ્રાણ.

ચિત્રલેખા ચતુરા નારી, વિધાત્રીનો અવતાર;
ઓખાએ તે ધ્યાન ધરિયું, આવી માળિયા મોઝાર.

એવું એમ કહીને જોયું શય્યામાં, ગદા તો નવ દીઠી;
ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગે લાગી અંગીઠી.

ચિત્રલેખા કહે મહારાજા હું તો, ચતુરા થઈને ચૂકી;
મેં જાણ્યું મુજને મારશે, ગદા ક્યાંય મૂકી.

અનિરુદ્ધ કહે શાને વઢું, મારે હાથ નથી હથિયાર;
ચિત્રલેખાએ નારદ સંભાર્યા, માળિયા મોજાર.

નારદ કહે મુજને કેમ સંભા્ર્યો, કૌભાંડ કેરી તન;
મહારાજ જુદ્ધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન.

નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવંતી ઓખાબાઈ;
ભાલોભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ.

ભલો તું પ્રદ્યુમનનો, વીરા ઘણો વિકરાળ;
અંતરીક્ષ ઊભો હું જોઉં છું, આણ સરવનો કાળ. (

અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને, વાત તણું નહિ કામ;
બૈરામાં બાકરી બાંધી, તેમ બોળ્યું બાપનું નામ

અનિરુદ્ધ કહે શાને વઢું, હથિયાર નથી કંઈ એક;
જોદ્ધા જા જા શોર કરે છે, ત્યાં શો કરવો વિવેક.

નારદ કહે ઓખાબાઈને, તું આદ્ય જગતની માત;
તારું સામર્થ્ય હોય જેટલું, તે આપ સ્વામીને હાથ.

ઓખાએ એક ભોંગળ લઈને, કહાડી આપી બહાર;
સ્વામીના કરમાં આપી, તેમાં હજાર મણનો ભાર.

વીર વિકાસી ભોંગળ લીધી, માળિયામાં ધાય,
ચાર લાખ જોદ્ધા તરવરીઆ તે, સામો જુદ્ધે જાય.

ગેડી ગુપ્તિ ફરસી તંબુર, છુટે ઝઝા બાણ;
માળિયાને ઢાંકી લીધું, જેમ આભલિયામાં ભાણ.

આવતા બાણ એકઠાં કરી કરીને, પાછા નાખે બાળ;
ઊંચેથી આવી પડે છે, આણે સર્વનો કાળ.

ભડાક દઈને ભોંગળ મારી, અનિરુદ્ધે જેની વાર;
તે ઝબકારા કરતી આવી, તેણે કર્યો સંહાર.

અનિરુદ્ધ કેરો માર ઘણો તે, જોદ્ધાએ ન ખમાય;
મારી કટક સરવે કટકા કીધું, આપે નાઠા જાય.

રહો શા માટે નાસો, કાં થાઓ છો રાંક ?
હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક

અંગ જે કાંઈ ન સુજે, આવ્યા રાયની પાસ;
બાણાસુર બેસી રહ્યો, ને કટક થયું સૌ નાશ.

જોદ્ધા સહુ નાશ થયા રે, હું ચોરી નાઠો સાર;
તમને આવ્યો સંભળવવા, ઘણું કરી પોકાર.

નાસ રાજા ભુંગળ આવી, પ્રાણ તારો જાય;
બાણાસુર પડ્યો ગાભરો, દૈવ આતો શું કહેવાય ?

બીજા રાયે છ લાખ મોકલ્યા, જઈ કરો સંગ્રામ;
મારી બાંધી લાવો કહું છું, એને તો આ ઠામ.

જોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારોમાર;
છ લાખ આવી ઊભા રહ્યા, તેના બળતણો નહિ પાર.

કોઇ એક ને બે જોજન, ઊંચા જે કહેવાય;
કોને માથે શીંગડા, લોચન ઉદર સમાય.

ખડગ, ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ;
તોપ, કવચ, રણભાલા, બરછી, મુગદળ ને ભીંડીમાળ.

સાંગ , ગેડી, ગુપ્તિ, ગદા ને ઝળકતી તલવાર;
બાણાસુરના યોદ્ધા તે, કરતા મારોમાર.

કાંઇક કચરઘાણ થાય ને કાંઇકના કડકાય,
કુંભસ્થળ ફાટી ગયા ને , પડ્યા તે પૃથ્વી માંય.

અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધર્ણ;
જોદ્ધા આવ્યા જોરમાં તે, કેમ પામશે મરણ ?

પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ;
કાળચક્રની પેઠે સેજે, સૌ સંહાર્યા સાથ.

કોઇ જોદ્ધાને ઝીકી નાખ્યાં, ઝાલ્યા વળતી કેશ;
કોઇને અડબોથ મૂકીને, કોઇને પગની ઠેસ.

કોઇકના મોઢા ભાંગી નાખ્યા, હાથની લપડાકે;
કોઇને મારી ભુકો કીધો, ભોંગળને ભડાકે.

એમ હુલ્લડ કરીયું ને ત્રાસ પાડીઓ, બુમરાણ બહુ થાય;
છ લાખ ચકચૂર કરીને, ગયો માળિયા માંય.

નાઠા જોદ્ધા વેગે ગયા, જ્યાં છે બાણાસુર રાય;
નાસ રાજા ભોંગળ આવી, પ્રાણ તારો જાય.

ન હોય કાંઈ નાનો કુંવર, દીસે છે કોઈ બળિયો;
ઘણીવારનો જુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો.

કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ;
આટલે છોકરે નીચું જોવડાવ્યું, ધિકધિક મારું રાજ.

બાણાસુર અનિરુદ્ધને પકડી લાવવા સૈન્યને લલચાવે છે

મતવાલો મહાલે માળમાં, જઈ જોદ્ધાએ સભામાં સંભળાયું;
કૌભાંડને ચડિયો કાળ, મતવાલો મહાલે મળામાં.

જુગ જીત્યું પણ કાંઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં;
કહો કૌભાંડ હવે શું, મારો ભાગ્યો ભારે ભૂપાળમાં. મતવાલો…

સહુ સૈન્યનું સામર્થ ભાગ્યું, બહુ બળદીઠું છે બાળમાં રે;
દસ લાખનો દાટ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં. મતવાલો…

કહો પ્રધાન હવે શી વલે થશે, બાળ પડ્યો જંજાળમાં રે;
રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાત:કાળમાં રે. મતવાલો…

વિખિયા રે વળગ્યો તે નહિ થાય અળગો, જેમ માખી મધજાળમાં રે;
બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ફાળમાં. મતવાલો…

બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળથી રે;
સિંહપણું વેરાઇ ગયું ને, થયો સંગ્રામ શિયાળમાં રે, મતવાલો…

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors