ઓખાહરણ-કડવું-૫૨ (રાગ-મલાર)
ઓખા ને આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા આવે છે
વર્ષાઋતુ વહી ગઈ રે, રમતાં રંગ વિલાસ;
સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ.
એક સમે સહિયર આવી, શરદ પુનમની રાત;
માણેકઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દીસે આસો માસ.
ચંદ્રમાને કિરણ બેઠાં, હિંડોળે નરનાર;
હસ્યવિનોદમાં રે, કરતાં વિવિધ વિલાસ.
રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી;
કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દીસે મોટી નારી.
ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દીસે છે ઓખાય;
રાતી રાતી આંખલડી રે, ફુલી દીસે છે કાય.
હીંડે ઉર ઢાંકતી રે, શકે થયા છે નખપાત;
અધરમાં શ્યામતા રે, કોઈક પુરુષદંતનો ઘાત.
સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર;
મંત્રી કૌંભાંડને રે, જઈને કહ્યાં સમાચાર.
પ્રધાન પ્રવર્યો રે, જ્યાં અસુર કેરા નાથ;
રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ.
લોકીક વાર્તારે, કાંઈક આપણને લાંછન;
જીભ્યા છેદિએ રે, કેમ કહીએ વજ્ર વચન.
બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ;
સુણી વાર્તા રે, આસનથી ઢળીઓ ભૂપ.
ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત;
બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત.
શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન;
તે વારે જાણજે રે, રિપુ કોઈક થશે ઉત્પન્ન.
જુઓ મંત્રી તમો, પુત્રી કેરી પેર;
તેને કોઈ જાણ નહિ, તેમ તેડી લાવો ઘેર.
પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન;
ઓખાને માળિયે રે, હેઠે રહીને કહે છે વચન.
કૌંભાંડ ઓચાર્યો રે, ઓખાજી દ્યોને દર્શન;
ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન.
ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાળ;
શું થાશે નાથજી રે, આવી લાગી મહા જંજાળ
રખે તમે બોલતા રે, નાથજી દેશો ના દર્શન;
મુખ ઊડી ગયું રે ઓખા, નીર ભરે લોચન.
બાળા બહુ વ્યાકુળી રે, કોઈ કદળી કરે વર્ણ;
કેશ ગુંથ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વર્ણ.
બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી;
કૌંભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી.
ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દીસે બાળ;
કન્યારૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણ ભૂપાળ.
શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ;
ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહોને આજ.
ગંડસ્થળ કર ધરી રે, કોઇ પુરુષ દંતનો ઘાત;
શણગટ તાણતી રે, બોલી ઓખા ભાંગી વાત.
દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન;
તેણે હું આકળી રે, દુઃખણી નીર ભર્યું લોચન. (
મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળ પંપાળ;
હેઠ ઊતરો રે, નહિ તો ચડીને જોઈશું માળ.
(વલણ)
માળ જોઈશું તમતણો, ભાગશે તમારો ભાર રે;
એવું જાણીને ઊતરો, રાય કોપ્યા છે અપાર રે.