ઓખાહરણ-કડવું-૪૭ (રાગ:વલણ)
અનિરુધ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ
બાણાસુરની નગરમાં, ગડગડિયા નિશાન રે;
એણે રે શબ્દે અનિરુદ્ધ જાગીય્રા રે. (૧)
જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે;
આ તો ન હોય અમારી નગરી રે.(૨)
આ અસુરના માળિયાં રે અમારું ન હોય ગામ રે;
ન હોય કનકની દ્વારિકા રે. (૩)
હોય અમારી વાડી રે, અમે રમતાં દહાડી દહાડી રે;
ન હોય પુષ્પ કનકનો ઢોલિઓ રે (૪)
અહીંયાં નાદ ઘણા વાગે, રણતુર ઘણેરાં ગાજે રે;
ન હોય, ન હોય, શંખ શબ્દ સોહામણા રે. (૫)
મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે;
કઈ ભામિનીએ, મુજને ભોળવ્યો રે. (૬)
આ તો ઊંચા ઊંચા માળ, લોઢે જડ્યાં કમાડ રે;
રત્નાગર સાગર શે, નથી ગાજતો રે ? (૭)
ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે;
આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. (૮)
ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે;
જાણીજોઈને, જાત ગળીમાં કેમ બોળીએ રે. (૯)
મારો વડવો જુગજીવન, પ્રદ્યુમનરાયના તન રે;
તે માટે નહિ પરણું, દૈત્ય દીકરી રે. (૧૦)
ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે;
હમણાં વાતો કાઢીશ, વડવા તણી રે. (૧૧)
સનકાસુરને મારી રે, સોળહજાર લાવ્યા નારી રે;
તમો સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે. (૧૨)
એક લગ્ન નવ વરીઆ રે, નવ પૂછ્યાં કુળ પળીઆં રે;
જાત ભાત કોઈની, પૂછી નહિ રે. (૧૩)
તારા બાપની જે ફોઈ, અર્જુન સંન્યાસીને ગઈ રે;
મોં કાઢીને બોલે એવું, છે નહિ રે. (૧૪)
એણે વાયો વૃંદાવનમાં વંસ, જેણે માર્યો મામો કંસ રે;
ધાવતાં માસી મારી, પુતના રે. (૧૫)
ધાવતાં મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે;
કુબજાના કુળની વાત કહેતો નથી રે. (૧૬)
તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે;
છાશ પીતો તે ઉછરિયો રે. (૧૭)
સત્રાજીતને કાજ રે, મણિ લેવા ગયા મહારાજ રે;
ત્યાંથી પરની લાવ્યા જાંબુવતી રીંછડી રે. (૧૮)
લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિસે વેશ રે,
ભૂંડા મુખના છુંછા ઉપર શું મોહી રહ્યા રે. (૧૯)
કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંયાંથી છાનાં રહીએ રે;
પૂછો છો તો, કન્યાનું કુળ સાંભળો રે. (૨૦)
તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે;
ઓખાની માડી તો, ઉમિયા સતિ રે, (૨૧)
હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે;
ઉમિયાના અર્ધાંગેથી, ઓખા ઉપજી રે. (૨૨)
તારો વડવો જગજીવન, એનો વડવો બળી રાજન;
એક સમે બળી રાયે યજ્ઞ માંડ્યો રે. (૨૩)
બળીરાય જગ્નનો અધિકારી, તારો વડવો ભીખારી રે;
સાડા ત્રણ ડગલાં માટે, કર જોડિયાં રે. (૨૪)
આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે;
કરમહીણના કપાળમાં, કોઈ ચોડે નહિ રે. (૨૪)
કહે તો વાત વધારે કહીએ, નીકર આંહીથી છાના રહીએ રે;
આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. (૨૫)