ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે
ઓખાહરણ-કડવું-૪૧ (રાગ-મારુ)
ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી;
બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા.
ચતુરાને કહે ચિત્રલેખા, બાઇ આણ્યાના ઉપાય કેવા;
દૂર પંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી.
ત્યાં જૈ ન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર;
જાવું જોજન સહસ્ત્ર અગિયાર, તારો કેમ આવે ભરથાર.
નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે;
બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી.
સહિયરને સહિયર વહાલી, છે મેં જમણા હાથે ઝાલી;
આપણ બેઉ જણ સંગાથી, તું પ્રાણ દાતા છે વિધાત્રી.
મા-બાપ વેરી છે મારાં, મેં તો ચરણ સેવ્યા છે તમારાં;
વિધાત્રી તું દીનદયાળ, એમ કહી પગે લાગી બાળ.
કીધો ચિત્રલેખાએ વિચાર,જાવા દ્રારકા મોઝાર;
ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષિણીની કીધી.