ઓખાને ચિત્રલેખાની સલાહ
ઓખાહરણ-કડવું-૩૫ (રાગ-આશાવરી)
સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. ટેક.
એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે;હસ્તી ઝુલે તેને બારણે
રથ ઘોડા પરમ વિશાળ રે,જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. સ્વપ્નું..
એક નિરધનીઓ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર;
તેને દેશ-વિદેશ વહાણ ચાલે; વાણોતર છે સાર,
જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સ્વપ્નું..
મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણિયો વેદ પુરાણ;
જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ.
સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય…
એક વાણિયો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ;
જાગીને જ્યારે જોવા જાય ત્યારે, કોનું લાવે બાળ.
સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય.