ઓખાને ચિત્રલેખાની સલાહ
ઓખાહરણ-કડવું-૩૪ (રાગ-સાખી)
ઓખા રુવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય;
સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય.
જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય;
મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય.
વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખિયા આંક;
એક વાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક.
કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક;
કરણીનાં ફળ ભોગવો, તેમાં વિધાત્રાનો શો વાંક ?
વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક;
એક વાર પોકારે બારણે, તેને પુત્રી જન એક.
લાંચ લઈ લખતી હોય તો, આપત સહુથી પહેલું;
મારા પિયુ વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું રે.