ઓખા ગોર્યમાને ઠપકો દે છે
ઓખાહરણ-કડવું-૩૦ (રાગ-ઢાળ)
પ્રેમે પ્રદક્ષિણા કરીને, કરજોડી ઊભી બાળ;
પારવતી કહે માગ્ય વર, હું આપું તે તત્કાળ.
ઓખા વળતું વચન બોલી. હરખશું તેણી વાર,
માતા મુજને આપીએ, મારા મનગમતો ભરથાર.
ત્રણ વાર માગ્યું ફરી ફરીને, વર આપો આ દિશ;
લાજ મૂકીને ઓખા બોલી, તવ ચઢી પાર્વતીને રીસ.
નિર્લજ થઈ તેં કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ;
જા પરણજે ત્રણ વાર તું, એમ બોલ્યાં પાર્વતી આપ.
વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, ત્રણ હજો ભરથાર:
શાપ એવો સાંભળીને, કંપી રાજકુમાર.
પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય;
નારીને તો પુરુષ બીજો, શ્રવણે ન સુણ્યો જાય.
સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન;
ત્યારે સ્વપ્નમાં આવી પરણશે; પ્રાણ તણો જીવન.
તું જાગ્યાં કેડે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક;
ત્રણવાર તું પરણશે, પણ વર તો એકનો એક.
વર પામી ઓખાબાઈ ચાલ્યાં, મંદિર માળિયાં સાર;
અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર.
એમ કરતાં ઓખાબાઇના, દિન ઉપર દિન જાય;
સુંદર માધવ માસ આવ્યો; દ્વાદશીનો દિન.
સુંદર સજ્યા પાથરી, શણગાર્યું ભોવન;
આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન.
સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમિયો કશ્યપ તન;
હજુએ ન આવ્યો, પ્રાણ તણો જીવન.
પહોર રાત વહી ગઈ ને, હજુ ન આવ્યું કોય;
ઉમિયાજીએ વચન કહ્યું તે, રખે મિથ્યા હોય.
વા વાય ને બારી ડોલે, ખડખડાટ બહુ થાય;
ના આવ્યા ઓ આવ્યા કહીને, તુરત બેઠી થાય.
તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર;
બોલ્યા વિના નહિ ઉઘાડું, હૈડે છે મને ધીર.
વીણા લીધી હાથમાં ને, ગીત મધુરું ગાય;
ચેન કાંઇ પડે નહિ ને, ભણકાર બહુ થાય.
તેવામાં એક બારણું, ખડખડવા લાગ્યું જ્યારે;
ઓખાબાઇએ તો દોટ કરી, દ્વાર ઊધાડીયું ત્યારે.
બાણાસુરે મહેલ રચ્યો છે, તેનો સ્થંભ જ એક;
તે તણો પડછાયો તે, ઓખા નજરે દેખ.
ઓ પેલા આવ્યા છો, તમ ઉપર જાઉં વારી;
બોલ્યા વિના તો નહિ બોલાવું, હું છું ગુણવંતી નારી.
બાણાસુર જો જાણશે તો, લેશે બેઉના પ્રાણ;
શાને કાજે અહીં ઊભા છો, સાસુના સંતાન.
ઓખાબાઇ તો માળિયામાં, પાડે છે બકોર;
ઇશ્વર ને પાર્વતીએ, ગગને સાંભળ્યો શોર.
ઇશ્વર કહે છે ઉમિયાજીને, કોણ રુવે છે નાર;
ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રુવે નિરધાર.
વચન આપણું મિથ્યા કરવા, બેઠી બાણકુમાર;
તામસી વિધ્યા મોકલી તે, નિદ્રાનો ભંડાર.
મધ્યરાત તો વહી ગઈ ને, મીંચાણાં લોચન;
સ્વપ્નાંતરમાં આવી પરણ્યો, પ્રદ્યુમનનો તન.