ઓખા ઉમિયાજીને શાપનિવારણ માટે વિનંતી કરે છે
ઓખાહરણ-કડવું-૨૯ (રાગ-સાખી)
ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યાં;
હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફુટી ગયાં.
ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ;
પીવા ઝબોળી પાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ.
આણી જ તીરેથી અમે અળગા ન થયાં. પેલી તીરે નવ ગયાં;
કરમ તણે સંજોગ અમે, મધ્યે જળ વચ્ચે રહ્યાં.
હું તો આવી ઇશ્વર પૂજવા, સામો દીધો શાપ;
પરણ્યા પહેલા રંડાપણુ થયું, મારાં કીયા જનમનાં પાપ.
ઉમિયા તું તો મારી માવડી, છોરૂં છે ના દીજો છેહ;
માવિતર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તેહ.