ઓખા શિવજી-ઉમિયાજીની મુલાકાતે જાય છે
ઓખાહરણ-કડવું-૨૮ (રાગ-ઢાળ)
હું હિમાચળનો ભાણે જ ભાઇ, ગણપતિ મારે વીર;
મહાદેવની પૂજા કરીએ, મન રાખીને ધીર.
ખેચરી ગતમાં ઓખા ચાલ્યાં, તેનો કહું વિસ્તાર;
સ્નાન કરીને કામનીએ તો, સજ્યા સોળ શણગાર રે.
નેપુર વાજે વિંછવા ગાજે, ઝાંઝરનો ઝમકાર;
માથે દામણી ઝુમણું ને, વળી ઉર એકાવળ હાર.
જડાવ ચુડલો ઝુલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર;
પગે પાવલાં નેપુર વાજે. ઘુઘરીનો ધમકાર.
વાળે વાળે મોતી પરોવ્યાં. મોતી સેરો સોળ;
દરપણ લીધું હાથમાં ને, મુખે ભરિયા તંબોળ.
પકવાન થાળ મોતીએ ભરિયો, માંહે શ્રીફળ ફોફળ પાન;
આક ધંતુરો અગથીઓ, શંખાવલિ નિરવાણ.
આકાશમાર્ગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;
ઇન્દ્ર કેરું વિમાન ચાલે, એવી તે શોભાય.
મહાદેવ ને પાર્વતી બેઠા, પાસા રમતા સાર;
મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઇ નાર.
સ્વામી કાંઇ ઘેલા થયા એ, બાણ તણી કુમાર;
હવે તું એમ જાણે છે, ને કરશે અંગીકાર.
પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત;
મહાદેવજીને કામી જાણી, લોચને દીધો હાથ.
ત્રીજું લોચન ઊઘાડ્યું, શંકરને લલાટ;
પાસે આવી ઓખા દીઠી, લજ્યા પામ્યા તાત.
તેણે સમે ઓખા આવી, ઉમીયાને લાગી પાય;
આવડી ઉતાવળી થઈ આવી, નહિ પામે ભરથાર રે.