ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ
ઓખાહરણ-કડવું-૨૦ (રાગ-આશાવરી)
ચિત્રલેખા એણીપેર બોલી, સાંભળ સહિયર વાત;
તારે કાજે નહિ પરણાવે, બાણ તારો તાત.
તારે કાજે જો પરણાવે, છેદાયે રાયના હાથ;
તારે કાજે નહિ પરણાવે, પ્રધાન મારો તાત.
તાત કેરી આજ્ઞા લઈ, આવોને ઔખાય;
વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય.
તાત આપો આજ્ઞા તો, શંભુ પૂજવા જાઉં;
બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચ્ચાર્યું.
ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય;
ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય.
વચન સાંભળી ઓખા ચાલ્યાં,તે પોતે તેણીવાર:
ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર.