કન્યા વિવાહનું ફળ
ઓખાહરણ-કડવું-૧૯ (રાગ-આશાવરી)
પાંચ વર્ષની પુત્રી, તો ગવરી રે કહેવાય;
તેને કન્યાદાન દે તો, કોટી યજ્ઞફળ થાય.
પણ પુત્રી કેરા પિતાને, સમજાવી કહો વાત,
દેવવિવાહનું ફળ જેને, વરસ થયા છે સાત.
પુત્રી કેરા પિતાને, કાંઈ કહેવરાવો રે,
ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થાયે નવ.
એમ કરતાં વળી વચમાં, આવી પડે કાંઈ વાંક,
મનુષ્યવિવાહનું ફળ જેને, અગિયારે આડો આંક.
એમ કરતાં વરસ જાય ને, બાર પૂરા થાય;
પુત્રીનું મુખ પિતા જુવે. બેસે બ્રહ્મહત્યાય રે.