ઉમિયાએ ઓખાને આપેલો શ્રાપ
ઓખાહરણ-કડવું-૧૧ (રાગ-ઢાળ)
ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર;
ત્યારે ઓખા આવી ઊભી, નીસરીને ઓરડી બહાર.
મરાવી ભાઈને, તું તો નાસી ગઈ;
મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી.
તારું અંગ ગળજો, લુણે ગળજો કાય,
જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યાં માય.
ઓખાબાઈ થરથર ધ્રૂજ્યા, એ તો વાત અટંક;
અપરાધ પાખે માતા મારી, આવડો શો દંડ ?.
ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય
દૈત્યકુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય .
ચૈત્રના મહિનામાં બાઇ, તારો રે મહિમાય;
ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય.
ચૈત્રમાસના ત્રીસ દહાડા, અન્ન અલુણુ ખાય;
ત્રીસ નહિ તો વળી પાંચ દહાડા. પાછલા કહેવાય.
પાંચ દિવસ જો નવ પળે તો, ત્રણ દિવસ વિશેક;
ત્રણ દિવસ નવ થાય તો, કરવો દિવસ એક.
એ પ્રકારે વ્રત કરવું, સમગ સ્ત્રીજન;
અલવણ ખાએ ને અવની સુવે, વળી એક ઉજ્વળ અન્ન.
દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેહ;
પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તેહ.
વૈશાખ સુદી તૃતિયાને દિને, તું આવજે મુજ પાસ;
ગૌર્ય કરીને પુત્રી મારી, પૂરીશ મનની આશ.
શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એહ પ્રકાર;
હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર.
વલણ—
કહું વિસ્તાર એનો, સુણી રાજા નિરધાર રે;
હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોઝાર રે.