બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો
ઓખાહરણ-કડવું-૪ (રાગ-આશાવરી)
વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય;
વનનાં વાસી પશુ રે પંખી, તે લાગ્યાં બ્હીવાય.
કાંઇ નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય;
આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુરરાય.
નગર સમીપે ચાલી આવ્યો, બાણાસુર બળવાન;
કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન.
કોઇક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન;
દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત.
પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણીવાર;
દેશદેશના મહિપત જીત્યા,કહેતા ન આવે પાર.
સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય,
સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણા કરમાંય.
જીતી સુરને પાછો વળિયો, મળિયા નારદમુનિ;
પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન.
ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ;
એકે જોધ્ધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ.
નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય;
જેને તુજને હાથ આપ્યા, તે શિવશું કર સંગ્રામ.