એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૨૩ થી ૩૩
રૂપં મહત્તે બહુવક્ત્રનેત્રં મહાબાહો બહુબાહૂરુપાદમ્।
બહૂદરં બહુદંષ્ટ્રાકરાલં દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ્તથાહમ્।।૨૩।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે મહાબાહુ, આપના આ અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર, તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઇને, દેવો સહિત બધા લોક અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. ||૨૩||
નભઃસ્પૃશં દીપ્તમનેકવર્ણં વ્યાત્તાનનં દીપ્તવિશાલનેત્રમ્।
દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાન્તરાત્મા ધૃતિં ન વિન્દામિ શમં ચ વિષ્ણો।।૨૪।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપનાં વિસ્ફારિત મુખોને અને આપનાં અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતાં જ, મારું ચિત્ત ભયથી વ્યગ્ર થયું છે. આથી હું મારાં ચિત્તનાં ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી. ||૨૪||
દંષ્ટ્રાકરાલાનિ ચ તે મુખાનિ દૃષ્ટ્વૈવ કાલાનલસન્નિભાનિ।
દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસીદ દેવેશ જગન્નિવાસ।।૨૫।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે દેવાધિદેવ, હે વિશ્વના આધાર, આપ મારા પર અનુગ્રહ કરો. હું આ પ્રમાણે આપનાં પ્રલયાગ્નીસમા મુખોને તથા વિકરાળ દાંતોને જોઇને સંતુલન જાળવી શકતો નથી. હું ચારે બાજુથી મૂંઝાઈ ગયો છું. ||૨૫||
અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહૈવાવનિપાલસઙ્ઘૈઃ।
ભીષ્મો દ્રોણઃ સૂતપુત્રસ્તથાસૌ સહાસ્મદીયૈરપિ યોધમુખ્યૈઃ।।૨૬।।
વક્ત્રાણિ તે ત્વરમાણા વિશન્તિ દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાનિ।
કેચિદ્વિલગ્ના દશનાન્તરેષુ સંદૃશ્યન્તે ચૂર્ણિતૈરુત્તમાઙ્ગૈઃ।।૨૭।।
ગુજરાતી ભાંષાન્તર ઃ ધ્રુતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વે સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ -અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપનાં વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમાંના કેટલાકનાં મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. ||૨૬,૨૭||
યથા નદીનાં બહવોમ્બુવેગાઃ સમુદ્રમેવાભિમુખાઃ દ્રવન્તિ।
તથા તવામી નરલોકવીરા વિશન્તિ વક્ત્રાણ્યભિવિજ્વલન્તિ।।૨૮।।
ગુજરાતી ભાંષાન્તર ઃ જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોધ્ધાઓ પણ આપનાં પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. ||૨૮||
યથા પ્રદીપ્તં જ્વલનં પતઙ્ગા વિશન્તિ નાશાય સમૃદ્ધવેગાઃ।
તથૈવ નાશાય વિશન્તિ લોકા- સ્તવાપિ વક્ત્રાણિ સમૃદ્ધવેગાઃ।।૨૯।।
ગુજરાતી ભાંષાન્તર ઃ જેવી રીતે ફૂદાં પોતાના વિનાશ માટે જ સળગતા અગ્નિમાં કુદી પડે છે, તેમ હું બધા લોકોને પુરા વેગથી આપના મુખોમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું. ||૨૯||
લેલિહ્યસે ગ્રસમાનઃ સમન્તા- લ્લોકાન્સમગ્રાન્વદનૈર્જ્વલદ્ભિઃ।
તેજોભિરાપૂર્ય જગત્સમગ્રં ભાસસ્તવોગ્રાઃ પ્રતપન્તિ વિષ્ણો।।૩૦।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે વિષ્ણુ, હું જોઈ રહ્યો છું કે આપ પ્રજ્વલિત મુખોથી બધી જ દિશાઓના લોકોને ગળી જઈ રહ્યા છો. સમગ્ર બ્રહ્માંડને આપના તેજથી આવૃત કરી અતિશય દાહક એવા ભયંકર રૂપે આપ વ્યક્ત થાઓ છો. ||૩૦||
આખ્યાહિ મે કો ભવાનુગ્રરૂપો નમોસ્તુ તે દેવવર પ્રસીદ।
વિજ્ઞાતુમિચ્છામિ ભવન્તમાદ્યં ન હિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ્।।૩૧।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે દેવાધિદેવ, આવા ઉગ્રરુપધારી આપ કોણ છો, તે મને કૃપા કરી કહો. હું આપને નમસ્કાર કરું છું, કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. આપ આધ્ય ભગવાન છો. હું આપના વિષે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા-પ્રવૃતિની બાબતથી અજાણ છું. ||૩૧||
શ્રી ભગવાનુવાચ
કાલોસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ।
ઋતેપિ ત્વાં ન ભવિષ્યન્તિ સર્વે યેવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ।।૩૨।।
ગુજરાતી ભાંષાન્તર ઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા : હું સર્વ વિશ્વોનો મહાવિનાશ કરનારો કાળ છું, અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા (પાંડવો) સિવાય બંને પક્ષના તમામ યોધ્ધાઓ વિનાશ પામશે. ||૩૨||
તસ્માત્ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જિત્વા શત્રૂન્ ભુઙ્ક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ્।
મયૈવૈતે નિહતાઃ પૂર્વમેવ નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્।।૩૩।।
ગુજરાતી ભાંષાન્તર ઃ માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર. તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે અને હે સવ્યસાચી, તું તો યુધ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. ||૩૩||