અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.
દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
ગુરુજીના વેચાયે વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંત
અમરીયા બની જે નિતનિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહીં જરી જોને ઝાળ રે … અસલી સંત.
જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી … અસલી સંત
મનથી રે રાજી તમે એમ જ રહેજો
તો રીઝે સદા નકળંક રાયજી
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
અસલી રે સંત ઈ ગણાય જી … અસલી જે સંત