અવિનાશ વ્યાસ
પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા…
પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા…
દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા…
મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા…
*****************************
હે રંગલો, જામ્યો કાળન્દરીને ઘાટ…
હે રંગલો… જામ્યો કાળન્દરીને / કાલિન્દીને ઘાટ,
છોગાળા તારા, ઓ રે છબીલા તારા,
ઓ રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ… રંગલો.
હે રંગલો…
સૈં રે… એ હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાતમાં ને, માથે પડશે રે પરભાત,
છોગાળા તારા, હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ… રંગલો.
હે રંગલો…
સૈં રે… હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડીને ગામને છેવાડે બેઠા,
હે ભૂંડા ગોકુળની / કાના તારી ગોપલીએ તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે / લડશે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ… રંગલો.
હે રંગલો…
મારા પાલવ નો છેડલો મેલ, છોગાળા ઓ છેલ
કે મન મારું ધડકે છે.
હું તો મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલ
કે મન મારું ઘડકે છે.
હે હે હે… હે જી રે
હે જી રે સાંજ ને સુમારે
જ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તાર
સંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમ ધમે…
જીજીજી રે… દૂર દૂર દૂર દૂર…
દૂર દૂર દૂર દૂર… દૂર દૂર દૂર દૂર…
ગાંડીતૂર શરણાઇ કેરા સૂર
વીંધે ઉર ચકચૂર
સંગ તાલ ને નૂપુર
તારુ પાદર ને પૂર
સામ સામ સામસામે
હે ધેણું ધેણું ધેણું ને વાગતી રે વેણું
રે ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
મારા પાલવ નો છેડલો મેલ, છોગાળા ઓ છેલ
કે મન મારું ધડકે છે…
*******
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે,
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે કાનુડા / પાતળીયા, તને અમથું…!
તારી બાંકી રે…
તારા પગનું પગરખું ચમચમતુ રે,
અને અંગનું રે અંગરખુ તસતસતુ / ટમટમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે કાનુડા / પાતળીયા, તને અમથું…!
તારી બાંકી રે…
હે… પારકો જાણીને તને, ઝાઝુ શું બોલવું ?
ને અણજાણ્યો જાણી તને, મન શું ખોલવું રે ?
હે તને… હે તને… હે તને છેટો રે ભાળીને મન ભમતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે કાનુડા / પાતળીયા, તને અમથું…!
તારી બાંકી રે…
******************
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભાઇલો ઝુલાવે ડાળખી…
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે.
કોણ હલાવે…
એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો.
કોણ હલાવે…
આજ હીંચોડુ બેનડી તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે.
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે, બેનડી જુલે, ભાઇલો ઝુલાવે ડાળખી.
********************
ધરા જરી ધીમી થા ! આટલી અધીર કાં?
તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!
ડુંગરાની કોરે, મોરલાના શોરે, વાદળના ગિરિમાં
તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!
ઝનન ઝનન ઝન ઝનનનનન વર્ષાની ઝાંઝરી વાગે રે ઝનન
સનન સનન સન સનન ગોરીનું ગવન છેડીને નાચે રે પવન
હો ઘનઘોર ઘટા લીલી લીલી લતા પર ખીલી રે છટા
દૂર દૂર દાદૂર મયૂર સૂર પૂરત શાતુર ઝંખે મિલન!
ફાલ્યો વડલો ને ફાલ્યો પીપળો, ફાલ્યું ફાલ્યું રે બાજરાનું ખેત;
શ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત!
સપ્તરંગનો સૂર સજાવી ગગન ગજાવી સાધન શ્રાવણ આયો રે
ડિમ ડિમ ડિમાક ડિમ ડિમ ડિમાક
ડિમ ડિમ ડિમ ડિમ ઢોલ બજાવી વરસંતો વરતાયો રે
મોતીની સેર મજાની લીલુડા લહેરિયાની લાવ્યો વ્હાલીડો હેત!
શ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત!
વરસંતી વર્ષાને નીરે ભીંજાતી રે
સ્થિર નહીં અસ્થિર સમીરે
નયના ધીરે સરિતા તીરે એક સખી રે
નયન પરોવે નયન થકી બની ભગ્ન મગ્ન મનનો સાજન…
*********************
હો રંગ રસિયા, ક્યાં રમી આઇવા રાસ જો ?
આંખલડી રાતી ને ઉજાગરો ક્યાં રે કર્યો ?
આજ અમે ગ્યા’તા હોનીડાને હાટ જો,
આ ઝૂમણલાં રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.
હો રંગ રસિયા, ક્યાં રમી આઇવા રાસ જો ?
આંખલડી રાતી ને ઉજાગરો ક્યાં રે કર્યો ?
આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,
આ ચૂડલિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.
હો રંગ રસિયા, ક્યાં રમી આઇવા રાસ જો ?
આંખલડી રાતી ને ઉજાગરો ક્યાં રે કર્યો ?
આજ અમે ગ્યા’તાં દોશીડાને હાટ જો
આ ચૂંદડીયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.
હો રંગ રસિયા, ક્યાં રમી આઇવા રાસ જો ?
આંખલડી રાતી ને ઉજાગરો ક્યાં રે કર્યો ?
******************
પ્રીતડી બાંધતા રે બંધાય ના,
બંધન જન્મોજનમના ભૂલાય ના;
લખ્યું લલાટનું ના ભૂંસાય,
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
સપનાં રોળાઈ ગયા, કાળજ કોરાઈ ગયા,
તારી જુદાઈમાં મનથી રુંધાઈ ગયા;
ઓ વ્હાલમા, તડકો ને છાંયો જીવન છે- નાહક મૂંઝાઈ ગયા.
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
નયને નિંદર નથી, ક્યાં છું ખબર નથી,
દિલડાને જંપ હવે તારા વગર નથી;
ઓ વ્હાલમા, સંસારી ઘુઘવતા સાગરે ડુબવાનો ડર નથી.
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
તારી લગન લાગી, અંગે અગન જાગી,
વિયોગી તારલીનું ગયું રે મન ભાંગી;
ઓ વ્હાલમા, વસમી વિયોગની વાટમાં લેજો મિલન માંગી.
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
*************
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ
અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ
સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ
ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ