બનાસકાંઠા જિલ્લાના બાલારામના રમણીય પ્રાકૃતિક લેન્ડસ્કેપ પર હજી શહેરીકરણની પ્રદૂષિત હવાનો સ્પર્શ નથી થયો. અમદાવાદ-પાલનપુરનાં માર્ગ પર ફંટાઈને બાલારામના રસ્તે વળો એટલે અહીંના વાતાવરણની શીતળતા તમને પ્રસન્નનતાનો અહેસાસ કરાવી જાય.
૧૭ જેટલા રોયલ-સ્યૂટ કક્ષાના રૂમ્સ ધરાવતા બાલારામ પેલેસને દૂરથી જોતા જ એક ભવ્યતાનો અનુભવ થયા વિના ન રહે, અને તેમાં પણ આ પેલેસની આસપાસ મેક્સિકન ગ્રાસની લોનની હરિયાળી તથા નાની-મોટી પગથી તથા પગથિયા પર વિભિન્નક રંગી ખીલેલાં પુષ્પોનું રંગીન સંયોજનો તથા વિવિધ ફૂલ-છોડની ક્યારીઓની ભૌમિતિક રચનાઓ જોતા જ લાગે કે અહીં ઉદ્યાની માવજતમાં અંગત રસ લઈને નવાબી ટકાવી રાખવાના આશયનો સફળ પ્રયાસ છે. ઉદ્યાનનાં એક છેડે મ્યુઝિક સિસ્ટમની સગવડ રાખી છે. ઉપર એક નાનકડી ટેકરી પર વિશિષ્ટછ સ્વિમિંગ પુલ બનાવવામાં આવેલો છે. પાલનપુરના નવાબે આજથી વર્ષો પહેલાં આ સ્વિમિંગપુલની રચના એ રીતે કરાવી હતી કે ડુંગરામાંથી ખળખળ વહેતું ઝરણાનું પાણી અહીં સ્વિમિંગ-પુલમાં સીધું જ પ્રવેશે અને વધારાનું પાણી ઓવરફ્લો થઈ નીચે વહેતી નદીમાં ભળી જાય. બાલારામ પેલેસ હેરિટેજ હોટલમાં એક કલાત્મક બેન્કવેટ હોલ (Banquet hall), આધુનિક હેલ્થ-ક્લબ, તથા અનેક ઇન્ડોર-ગેમ્સની સગવડ ઉપલબ્ધ છે, અહીંના રોયલ રૂમ્સની સાથે એક વિશિષ્ટે-સવલતો ધરાવતો ‘નવાબી-સ્યૂટ‘ પણ છે, થોડાં વર્ષો પહેલાં ‘સૂર્યવંશી‘ના શૂટિંગ દરમિયાન, અમિતાભ બચ્ચન આ રૂમ્સનાં ઇન્ટિરિઅર તેમજ ઠાઠમાઠ જોઈ પ્રભાવિત થયઈ ગયા હતા.
બાલારામ રિસોર્ટથી નજીકના પાલનપુર ગામ ગુજરાત રાજસ્થાન સીમા પરનું છેલ્લું શહેર છે – જે હીરાઉદ્યોગ માટે જાણીતું છે. નજીકમાં આવેલું જેસોરનું રીંછનું અભ્યારણ્ય જોવા-લાયક છે તો ગુજરાતનું મોટામાં મોટું શક્તિતીર્થ અંબાજી અને તેની પાસેના કુંભારિયાનાં જૈન દેરાસરોના દર્શને પણ અહીંથી જઈ શકાય છે.