શિશુઓની અંત્યેષ્ટી ક્રિયા જુદી રીતે કરાતી. બોધાયન (3, 6, 2) અનુસાર મૃત શિશુને દાટી દેવું જોઇએ, અને એ ક્રિયા કરનારે વસ્ત્ર ઉતાર્યા વિના જ સ્નાન કરવું જોઇએ. મનુ (5, 67-70) અનુસાર બે વર્ષથી નીચેના બાળકના શબને ગામની બહાર ખુલ્લા સ્થાનમાં છોડી દેવું જોઇએ કે દાટી દેવું જોઇએ. ગર્ભિણી સ્ત્રીના શબને દાન આપી વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર અપાય છે. નવપ્રસૂતા અને રનસ્વલાના શબને સ્નાન કરાવી, પ્રાજાપત્ય આહુતિ આપી શરીરને વસ્ત્રથી ઢાંકી એનો અગ્નિસંસ્કાર કરાય છે.
પરિવ્રાજક, સંન્યાસી અને વાનપ્રસ્થના શબને ખાડામાં સુવાડી મંત્રોચ્ચાર સાથે ભિક્ષાપાત્ર એના પેટ પર રાખવામાં આવે છે. કમંડળમાં પાણી ભરી એને જમણા હાથમાં રાખવામાં આવે છે અને ખાડામાં માટીથી ઢાંકી એક સ્તૂપ બનાવાય છે.