ઓખાહરણ-કડવું-૭૩ (રાગ:મારુ)
બાણાસુરે કૃષ્ણને યુધ્ધ માટે સાદ કર્યો
શંખ શબ્દ તે વિકરાળ, રિપુ દૈત્યને વિદારનાર;
કૃષ્ણ આવ્યાં તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું.
અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરિ;
છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી.
બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે;
ગોવિંદની ગત્ય ન જાએ કળી, જાદવસેના આવી મળી.૩
જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઊઠો નરેશ;
અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દશ દિશે ઉત્પાત.
મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જઈ સેનાને આપો આજ્ઞા;
દુંદુભી નાનાવિધ ગડગડે, આયુધ્ધ ધરીયે યુધ્ધે ચઢે.
ત્યાં નૃપ થયા તૈયાર, સેને સજી ટોપ જીવ રાખી;
ધરી ત્રિશુળ ને બખ્તર માળ, ડચકારે ઘોડા દે ફાળ.
મોરડે મણિ ફુમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે;
વાંદરા વાદે ઘુંટે નાચતાં, ઘોડાને પાણી પંથા. ૭
કાબર ને કલંકી, કુમેદ લીલા ને પચરંગી;
હાંસી સો હય હણીઆ જેહ, કાળા પછી કાબરો તેહ.
પીળા પાખર પોપટ શ્વેત, વાયુ વેગે માંકળીઆ કેતક;
રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિસે અને કરડે દંત.
પુરની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય;
ટોળાં ઉપર ટોળાં આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે.
રીસે અંતરમાં ઘરહડે, રખે રાય બાણાસુર ચઢે;
ઝટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ જ્યારે ઉથલ.
ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા સાત પાતાળ;
બ્રહ્મ લોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ.
ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહિ જવા દઉં કુશળ ફરી;
ઉન્મત જાદવ ઉછાંછળા, સકળ સંસારે બહુ આકળાં.
કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે સાપ થાય પાધરો;
કુડુ કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે.
ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લેઇ આવ્યા છીએ જાન;
જો વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ.
ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો એ ગોવાળ;
એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી.
બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ;
કડાઝુડ બે કટક થયાં, ઉઘાડા આયુદ્ધ કરમાં ગ્રહ્યાં.
ખાંડાં ફરસી ને તરવાર, કો કહાડે માથેથી ભાર;
ત્રિશુળ તોમર ગદા ત્રિશુળ, ગર્જ્યો હાયે ધરી મુસળ.
છપ્પન કોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે;
દાનવ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય.